દિલ્હી પોલીસે દાણચોરી કરી બાંગ્લાદેશ મોકલાતા મોબાઇલ ફોન નેટવર્કનો પર્દાફાશ કર્યો…

નવી દિલ્હી : દિલ્હી પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમે એક આંતરરાષ્ટ્રીય મોબાઇલ ફોન દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં કોલકાતા થઈને બાંગ્લાદેશમાં દાણચોરી કરવામાં આવી રહેલા 116 મોંઘા અને ચોરાયેલા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. તેમજ ચાર રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા અને છીનવી લીધેલા મોંઘા મોબાઇલ ફોન એકઠા કર્યા હતા. ત્યાર બાદ તેઓએ ખાસ સોફ્ટવેર અને અનલોકિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને ફોનની સુરક્ષાને બાયપાસ કરીને કોલકાતા થઈને બાંગ્લાદેશ મોકલ્યા હતા.
ગેંગનો માસ્ટરમાઇન્ડ સમીર ઉર્ફે રાહુલ
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 116 મોંઘા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. જેમાં અનેક કંપનીઓના મોબાઈલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી એક સ્કૂટર, આધાર કાર્ડ, અનલોકિંગ ટૂલ્સ અને વિદેશી સોફ્ટવેર પણ જપ્ત કર્યા છે. આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ ગેંગનો માસ્ટરમાઇન્ડ સમીર ઉર્ફે રાહુલ હોવાનું કહેવાય છે. જે પ્રતિ ફોન રૂપિયા 1,500 સુધીના ભાવે ગેરકાયદે રીતે ફોન અનલોક કરતો હતો. આ આરોપીઓ ચોરાયેલા સીમ-કાર્ડમાંથી નકલી સંદેશાઓનો ઉપયોગ કરીને પીડિતોને તેમના આઈ કલાઉડ આઈડી ડિલીટ કરવા માટે ફસાવતો હતો. જેથી તેઓ સરળતાથી ફોન વેચી શકે.
100 થી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું
આ સમગ્ર કામગીરી દરમિયાન, દિલ્હી પોલીસે 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કર્યો હતો. તેમજ આજ સુધીમાં દિલ્હીના વિવિધ જિલ્લાઓમાં મોબાઇલ સ્નેચિંગ અને ચોરીના 42 થી વધુ કેસ ઉકેલાયા છે.



