૧૭ વિદ્યાર્થિનીઓના શોષણના આરોપી 'બાબા' જેલભેગો: દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ સરસ્વતીને આગ્રાથી દબોચ્યો | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

૧૭ વિદ્યાર્થિનીઓના શોષણના આરોપી ‘બાબા’ જેલભેગો: દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ સરસ્વતીને આગ્રાથી દબોચ્યો

નવી દિલ્હી: દિલ્હીના લંપટ બાબા ચૈતન્યાનંદ સરસ્વતીની ઉત્તર પ્રદેશના આગ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની આગ્રાના તાજગંજ વિસ્તારની એક હોટલમાંથી ગઈ રાત્રે લગભગ ૩:૩૦ વાગ્યે ધરપકડ કરી હતી. પોલીસ ચૈતન્યાનંદને આગ્રાથી દિલ્હી લાવી રહી છે.

૧૭ વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાના આરોપી ચૈતન્યાનંદ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. દિલ્હી પોલીસે તેની ધરપકડ માટે અનેક ટીમો બનાવી હતી, જે દિલ્હીની સાથે-સાથે હરિયાણા અને યુપીના શહેરોમાં પણ છાપામારી કરી રહી હતી. આખરે, બાબા આગ્રામાં પોલીસના હાથે ચડી ગયો છે. શુક્રવારે કોર્ટે ચૈતન્યાનંદની અગ્રીમ જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

પોલીસને ચૈતન્યાનંદનું છેલ્લું લોકેશન આગ્રામાં મળી આવ્યું હતું. હવે દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની આગ્રામાંથી જ ધરપકડ કરી લીધી છે. એટલે કે બાબા ઘણા સમયથી આગ્રામાં સંતાયેલો બેઠો હતો. દિલ્હીના વસંત કુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટની કરોડો રૂપિયાની કિંમતની જમીનને ટ્રસ્ટ બનાવીને પચાવી પાડવા અને વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરવાના કેસમાં આરોપી સ્વામી ચૈતન્યાનંદને પટિયાલા હાઉસ કોર્ટમાંથી શુક્રવારે મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, જેનાથી સ્વામી પર ધરપકડનું જોખમ વધી ગયું હતું. જોકે, આ દરમિયાન પોલીસે ચૈતન્યાનંદ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરી દીધું હતું.

એક નહીં અનેક મામલામાં આરોપી

ઉલ્લેખનીય છે કે ચૈતન્યાનંદ એક નહીં, પરંતુ અનેક મામલાઓમાં આરોપી છે. આ સમગ્ર મામલો વસંત કુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલો છે, જે એક મેનેજમેન્ટ સંસ્થા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્વામી ચૈતન્યાનંદે ૨૦૧૦થી અત્યાર સુધીમાં મૂળ ‘શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટ ટ્રસ્ટ’ની સમાંતર એક નવું ટ્રસ્ટ બનાવીને સંસ્થાની મૂલ્યવાન જમીન અને ફંડ્સ પર કબજો કરવાની કોશિશ કરી હતી.

આરોપ છે કે તેમણે લગભગ ૨૦ કરોડ રૂપિયા નવા ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દીધા, જ્યારે આ ફંડ્સ મૂળ ટ્રસ્ટ માટે હતા. જુલાઈ ૨૦૨૫ થી તો લગભગ ૬૦ લાખ રૂપિયા રોકડા પણ ઉપાડવામાં આવ્યા હતા. આનાથી સંસ્થાની જમીન પર ગેરકાયદેસર કબજાનો મામલો બન્યો. દિલ્હી પોલીસે ૧૯ સપ્ટેમ્બરે સ્વામી વિરુદ્ધ ત્રણ એફઆઈઆર (FIR) દાખલ કરી, જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૪૦૬ (ગુનાહિત વિશ્વાસઘાત) અને અન્ય સંબંધિત કલમોનો સમાવેશ થાય છે.

૧૭ વિદ્યાર્થીનીઓના યૌન શોષણનો આરોપ

આ મામલો ફક્ત જમીન હડપવા સુધી સીમિત નથી. સ્વામી ચૈતન્યાનંદ પર સંસ્થામાં અભ્યાસ કરતી ૧૭ વિદ્યાર્થીનીઓ સાથે યૌન શોષણ કરવાના આરોપો પણ લાગ્યા છે. આ વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની હતી, જેમને સ્કોલરશિપ પર ડિપ્લોમા કોર્સમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતોનો આરોપ છે કે સ્વામીએ તેમને આશ્રમમાં બોલાવીને છેડતી કરી અને ધમકીઓ પણ આપી હતી.

આ પણ વાંચો…લંપટ ચૈતન્યાનંદે બેંક ખાતાં ફ્રીઝ થયાં હોવા છતાં 50 લાખ ઉપાડી લીધા !

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button