Delhi માં ભાજપ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં વિલંબ, આપે કર્યો પ્રહાર

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી છે. જોકે, ચૂંટણીમાં વિજય બાદ 10 દિવસ સુધી ભાજપે મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું નથી. જેના પગલે હવે આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન તાક્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના કાર્યકારી સીએમ આતિશીએ જણાવ્યું હતું કે ભાજપ પાસે સીએમ પદ માટે કોઇ ચહેરો નથી. ભાજપ પાસે હાલ વિશ્વસનીય નેતાનો અભાવ છે.
દિલ્હીમાં શાસન કરવા માટે તેમની પાસે કોઈ ચહેરો નથી
આ અંગે એક પત્રકાર પરિષદમાં દિલ્હીના કાર્યકારી સીએમ આતિશીએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો જાહેર થયાને દસ દિવસ થઈ ગયા છે. લોકોને લાગતું હતું કે ભાજપ 9 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની જાહેરાત કરશે. દિલ્હીમાં તાત્કાલિક વિકાસ કાર્ય શરૂ કરશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીમાં શાસન કરવા માટે તેમની પાસે કોઈ ચહેરો નથી.
શાસન માટે કોઈ દ્રષ્ટિ કે આયોજન નથી
આતિશીએ દાવો કર્યો હતો કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં ચૂંટાયેલા 48 ભાજપના ધારાસભ્યોમાંથી કોઈ પર વિશ્વાસ કરતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટી પાસે શાસન માટે કોઈ દ્રષ્ટિ કે આયોજન નથી. જો તેમની પાસે સરકાર ચલાવવા માટે કોઈ સક્ષમ વ્યક્તિ જ નહીં હોય તો તેઓ લોકો માટે કેવી રીતે કામ કરશે?
Also read: દિલ્હીમાં ભાજપની સરકાર બને પહેલા જ કેજરીવાલની મુશ્કેલીઓ વધી; હવે આ મામલે થશે તપાસ…
દિલ્હી વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ નેતૃત્વના નિર્ણયમાં વિલંબને કારણે આપ હવે ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. ભાજપે દિલ્હી વિધાનસભાની 70 માંથી 48 બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે આપને ફાળે માત્ર 22 બેઠક જ આવી હતી. તેમજ કોંગ્રેસ શૂન્ય બેઠક સાથે ખાતું ખોલાવવાના નિષ્ફળ નીવડી હતી.
ભાજપ ધારાસભ્ય દળની બેઠક 19 ફેબ્રુઆરીએ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં મુખ્યમંત્રીની પસંદગી માટે આજે દિલ્હીમાં યોજાનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠક
બેઠક મુલતવી રાખવામાં આવી છે. હવે આ બેઠક 19 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને મુખ્યપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ પણ 20 ફેબ્રુઆરીએ યોજાશે એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે. આ બેઠકમાં વિધાનસભા
પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે અને દિલ્હીના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે.