દિલ્હી-એનસીઆર પ્રદૂષણને અંકુશમાં રાખવા બિનજરૂરી બાંધકામ પર પ્રતિબંધ
નવી દિલ્હી: દિલ્હી અને નેશનલ કેપિટલ રિજિયનમાં હવાની ગુણવત્તા બગડતા કેન્દ્ર સરકારે ધૂમાડો ઓકતા ચાર ચક્રી વાહનો પર અને બિનજરૂરી બાંધકામ કાર્ય પર પ્રતિબંધ મૂક્યો છે. પવનનો વેગ ધીમો પડી જતા અને ધુમ્મસ, ઝાકળ જેવા પ્રતિકૂળ વાતાવરણના કારણે દિલ્હીની હવાની ગુણવત્તા બગડી છે, તેવું કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ એક ઓર્ડરમાં કહ્યું છે. દિલ્હીમાં એવરેજ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) શુક્રવારે સવારે ૧૦-૦૦ કલાકે ૩૯૭ હતો જે સાંજે ૪-૦૦ કલાકે વધીને ૪૦૯ થયો હતો.
સીએક્યુએમના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)ના સ્ટેજ-થ્રી હેઠળ નિયંત્રણો લાવવામાં આવ્યા છે. બિનજરૂરી બાંધકામ કાર્ય, સ્ટોન ક્રંશિગ, માઈનિંગ પ્રવૃત્તિ પર દિલ્હી-એનસીઆરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ, હેલ્થકેર, રેલવે, મેટ્રો રેલ, ઍરપોર્ટ, આંતરરાજ્ય બસ ડેપો, હાઈવે, માર્ગ, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન, પાઈપલાઈન, સેનિટેશન, પાણી પુરવઠો સંબંધી પ્રોજેક્ટસ સંબંધિત બાંધકામ કાર્યને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં બીએસ-થ્રી પેટ્રોલ અને બીએસ-ફોર ડીઝલ ફોર વ્હિલર્સ ચલાવવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.