Delhi Mumbai એકસપ્રેસ વે પર નિર્માણાધીન ટનલનો એક હિસ્સો તૂટયો, ચાર મજૂર ઘાયલ, એકનું મોત
કોટા : દિલ્હી-મુંબઈ(Delhi Mumbai)એક્સપ્રેસ વે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર મજૂરો કાટમાળ નીચે દટાયા હતા, જેમાંથી એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે ટનલમાં 12 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક કોટાના રામંજમંડીના મોડક વિસ્તારમાં બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યો. આ ઘટના બાદ નાસભાગ મચી હતી.
મજૂરોએ કાટમાળ હટાવ્યો અને ચારેયને બહાર કાઢ્યા
આ દરમિયાન 4 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ટનલમાં રહેલા મજૂરોએ કાટમાળ હટાવ્યો અને ચારેયને બહાર કાઢ્યા. પરંતુ ત્યાં સુધીમાં એક મજૂરનું મોત થઈ ગયું હતું અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેમને સ્થાનિક પ્રશાસનની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
યોગ્ય સુરક્ષા સાધનો ન આપ્યો હોવાનો મજૂરોનો આક્ષેપ
મોડક પોલીસ સ્ટેશનના અધિકારી યોગેશ કુમાર શર્માએ જણાવ્યું કે તેમને માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા. આ ટનલનું નિર્માણ દિલીપ બિલ્ડકોન કંપની કરી રહી છે. અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના અધિકારીઓ ગભરાયા ગયા હતા અને તેઓ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત મજૂર મોનુએ આરોપ લગાવ્યો હતો કે કામ દરમિયાન તેને યોગ્ય સુરક્ષા સાધનો આપવામાં આવ્યા ન હતા. જોકે, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ તેઓએ સેફ્ટી ઓડિટ શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : Delhi-Mumbai Expressway: હવે દિલ્હી પહોંચવું થશે સરળ! આ બાયપાસ ટૂંક સમયમાં શરુ થશે
મુકુંદરા ટાઈગર રિઝર્વની ટેકરીઓ નીચે ટનલ નિર્માણાધીન
હાઇવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મુકુન્દરા ટાઈગર રિઝર્વ (DARA)પાસે આઠ લેનવાળી ગ્રીન ઓવરપાસ ટનલ બનાવવામાં આવી રહી છે. તેની લંબાઈ લગભગ 4.9 કિલોમીટર છે. જે મુકુંદરા ટાઈગર રિઝર્વની ટેકરીઓ નીચેથી બનાવવામાં આવી રહી છે. વન્યજીવો, ખાસ કરીને વાઘ આ ટનલ ઉપરથી પસાર થઈ શકશે, જ્યારે વાહનો નીચેથી પસાર થશે. આ ટનલ ન માત્ર સાઉન્ડપ્રૂફ અને વોટરપ્રૂફ હશે, પરંતુ વાહનોના ઘોંઘાટથી વન્યજીવોને કોઈ સમસ્યા થશે નહીં.