સુરક્ષા એલર્ટ બાદ દિલ્હી-મુંબઈ અકાસા એરની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરાઇ

દિલ્હી-મુંબઈ અકાસા એરની ફ્લાઈટને સોમવારે સવારે સિક્યોરિટી એલર્ટને પગલે અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં એક નવજાત શિશુ અને છ ક્રૂ સહિત 186 જેટલા મુસાફરો સવાર હતા. અમદાવાદ તરફ વાળવામાં આવ્યા બાદ, અકાસા એરની ફ્લાઈટ QP 1719 સવારે 10:13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. તમામ મુસાફરોને એરપોર્ટ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સુરક્ષા ચેતવણીઓ અથવા ધમકીઓને કારણે છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સે ઇમરજન્સી લેન્ડિંગ કરી છે. અકાસા એરની ઘટના પેરિસથી 306 વ્યક્તિઓ અને ક્રૂ મેમ્બર્સ સાથે મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યાના એક દિવસ પછી આવી છે, જેના પગલે તેના આગમન પહેલા શહેરના એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટ રવિવારે સવારે 10:19 વાગ્યે લેન્ડ થઈ હતી.
આવી જ એક ઘટના શનિવારે સાંજે બની હતી, જેમાં વારાણસી-દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લીધા હતા.
ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની બીજી ધમકી મળી હતી , જેના પગલે તેણે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા માર્ગદર્શિકા મુજબ એરક્રાફ્ટને ‘આઈસોલેશન બે’માં લઈ જવામાં આવ્યું હતું.