નેશનલ

રાજકુમાર આનંદના નિવાસ્થાને પડેલી ઇડીની રેડમાં શું મળ્યું…

નવી દિલ્હીઃ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં પ્રધાન રાજકુમાર આનંદ વિરુદ્ધ ચાલી રહેલા ઇડીના દરોડાની તપાસ આજે સવારે લગભગ 4.15 વાગે પૂરી થઇ હતી. ગઇકાલ સવારથી ચાલુ થયેલા આ દરોડામાં ઇડીની ટીમ લગભગ 21 થી 22 કલાક સુધી રાજકુમાર આનંદના ઘરે હાજર રહી અને ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતના તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. હાલમાં રાજકુમાર આનંદના ઘરેથી ઇડીને શું મળ્યું છે તેની માહિતી સામે આવી નથી. જો કે એવી બાબત પણ જાણવા મળી રહી છે કે ઇડી પ્રેસ કોન્ફરન્સ દ્વારા કાર્યવાહીની વિગતો જાહેર કરશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે ગુરુવારે દિલ્હીના કેબિનેટ પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) નેતા રાજકુમાર આનંદના ઘર અને અન્ય કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં સ્થિત પ્રધાનના પરિસર સહિત એક ડઝન સ્થળોએ સવારે 6.30 વાગ્યે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની એક ટીમ પણ ડિરેક્ટોરેટની ટીમો સાથે હતી જે દરોડા પાડી રહી હતી. રાજકુમાર આનંદ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


રાજકુમાર આનંદે કહ્યું હતું કે ઇડીના દરોડા એ લોકોને હેરાન કરવાનું બહાનું છે. મારું આખું ઘર વેર વિખેર કરી કાઢ્યું પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. બધું પહેલેથી નક્કી જ હતું અને અમને એમજ કહેવામાં આવતું હતું કે ઉપરથી ઓર્ડર છે, તેમજ તે જે પ્રશ્ર્નો પૂછતા હતા તેની સાથે અમારે કોઈ લેવાદેવા ન હતી.


ઇડીએ આંતરરાષ્ટ્રીય હવાલા વ્યવહારો ઉપરાંત રૂ. 7 કરોડથી વધુની કસ્ટમ ડ્યુટી ચોરી અંગે ખોટી માહિતી આપવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી. આ તપાસ આ ચાર્જશીટ સાથે સંબંધિત હતી. તેમણે કહ્યું હતું કે સ્થાનિક અદાલતે તાજેતરમાં ડીઆરઆઈ પ્રોસિક્યુશનની ફરિયાદની નોંધ લીધી હતી, જેના પગલે ઈડીએ આનંદ અને અન્ય કેટલાક લોકો કેસ નોંધ્યો હતો.


નોંધનીય છે કે રાજકુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારમાં સમાજ કલ્યાણ અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ કલ્યાણ પ્રધાન છે. ઇડીએ રાજકુમાર સામે એવા સમયે કાર્યવાહી કરી છે જ્યારે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ પાઠવવામાં આવી છે. ઈડીએ અરવિંદ કેજરીવાલને એ જ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે, જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલ જઈ ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button