’48 કલાકના ડ્રામા બાદ, પોલીસ માત્ર એક ચિઠ્ઠી આપીને જતી રહી…’ દિલ્હી સરકારના પ્રધાન આતિશીનું નિવેદન

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના પ્રધાન આતિશી સિંહે કહ્યું કે ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચના એક ડઝન અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. તેઓ કેજરીવાલને જ નોટિસ સોંપવા માંગતા હતા. આજે એ જ અધિકારી મારા ઘરે પહોંચ્યા. 2-3 કલાક રાહ જોઈ અને તેઓ માત્ર મને જ નોટિસ આપવા માંગતા હતા. તેમણે કહ્યું કે અમને અધિકારીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. 48 કલાકના નાટક બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમને માત્ર એક ચિઠ્ઠી આપી છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ કાયર છે.
આતિશીએ કહ્યું કે આ નોટિસ ન તો એફઆઈઆર છે કે ન તો સમન્સ, ન તો તેમાં IPC અથવા CrPCની કોઈ કલમ સામેલ છે. 48 કલાકના ડ્રામા પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે અરવિંદ કેજરીવાલ અને મને એક પત્ર આપીને છોડી દીધા. આતિશીએ કહ્યું કે આમાં પોલીસકર્મીઓનો વાંક નથી, તેમના રાજકીય આકાઓ અમારી પૂછપરછ કરવામાં માંગે છે.
આતિશીએ કહ્યું કે જે લોકોએ આમ આદમી પાર્ટીના વિધાનસભ્યોને કરોડો રૂપિયાની ઑફર આપી હતી તે એ જ લોકો છે જેમણે 2016માં ઉત્તરાખંડમાં કોંગ્રેસના 9 વિધાનસભ્યોને કોંગ્રેસથી અલગ કરીને ભાજપમાં જોડાવ્યા હતા. ગોવામાં 17માંથી 14 વિધાનસભ્યો મૂળ કોંગ્રેસના હતા. વિધાનસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે જુલાઈ 2019 માં, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના 17 વિધાનસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે લોકો કોંગ્રેસ અને જેડીએસના વિધાનસભ્યોને પૈસા ઓફર કરવા આવ્યા હતા તે જ લોકો AAP વિધાનસભ્યો પાસે પણ આવ્યા હતા. મધ્યપ્રદેશમાં 2020માં કોંગ્રેસના 22 વિધાનસભ્યો તોડીને ભાજપમાં જોડાયા હતા.
મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતાં આતિશીએ કહ્યું કે 21 જૂન 2022ના રોજ શિવસેનાના નેતા એકનાથ શિંદે 11 વિધાનસભ્યો સાથે મુંબઈથી સુરત ગયા હતા અને શિવસેના છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને સરકાર બનાવી હતી. આ લોકો કોણ છે જે છેલ્લા 8 વર્ષથી એક પછી એક વિપક્ષની તમામ સરકારોને તોડી રહ્યા છે?