શરાબ કૌંભાંડ ફરી કેજરીવાલ માટે ઉપાધિ લાવશે? જાણો કેગના અહેવાલમાં શું છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. એવા સમયે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર દ્વારા હવે કાઢી નાખવામાં આવેલી આબકારી નીતિ અંગેનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) નો અહેવાલ આવ્યો છે. CAGના અહેવાલમાં દિલ્હીની શરાબ કાંડને કારણે 2,026 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે AAP નેતાઓને “કિકબેક” મળી છે અને તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે. નવેમ્બર 2021માં AAP સરકાર દ્વારા રજૂ કરાયેલી દારૂની નીતિનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના છૂટક વેચાણનો સ્કોપને સુધારવાનો અને મહત્તમ આવક વધારવાનો હતો.
જોકે, તેમની આ નીતિમાં મોટા પાયે ભ્રષ્ટાચારના અને મની લોન્ડરિંગના આરોપ થયા હતા, જેને કરણે ED અને CBI દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી હતી. આ મામલે તત્કાલિન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત AAPના ઘણા ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ગયા વર્ષે તેઓને જામીન મળી ગયા હતા. હાલમાં તેઓ શરતી જામીન પર બહાર છે. ભાજપ અને કાંગ્રેસે AAP સરકાર પર દક્ષિણના તેના મિત્રોના લાયસન્સ આપવા માટે અને ફાયદો કરાવવા માટે છડેચોક નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે. તો AAP સરકારે આને અરવિંદ કેજરીવાલ જેવા ઇમાનદાર નેતાની છબી ખરડવાના પ્રયાસ તરીકે ગણાવ્યો હતો.
દિલ્હીમાં લિકર એક્સાઇઝ પોલિસી રજૂ કરવામાં આવી ત્યારે તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા એક્સાઇઝ વિભાગના વડા હતા. સિસોદિયાએ પોલિસી પર નિષ્ણાત પેનલની ભલામણોને અવગણી હતી. CAGના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક નિર્ણયો કેબિનેટની મંજૂરી અથવા લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી વિના મનસ્વી રીતે લેવામાં આવ્યા હતા. દિલ્હી શરાબ નીતિને કારણે સરકારને થયેલા નુક્સાનની વિગતો આપતા કેગે જણાવ્યું હતું કે કેટલાક દારૂના રિટેલર્સે પોલિસીની મુદત પૂરી થાય ત્યાં સુધી તેમના લાયસન્સ જાળવી રાખ્યા હતા, જ્યારે કેટલાક રિટેલર્સે પોલિસીનો સમયગાળો પૂરો થાય તે પહેલાં તેમના લાયસન્સ સરેન્ડર કરી દીધા હતા.
Also read: કેજરીવાલે કોર્ટમાં આપ્યો જવાબ ‘જેલમાં માત્ર 3 વખત કેરી અને 6 વખત ખાધી મિઠાઈ’
આ સરેન્ડર કરાયેલા રિટેલ લાયસન્સનું રિ-ટેન્ડર કરવામાં આવ્યું નહતું, જેને કારણે સરકારને રૂ. 890 કરોડનું નુકસાન થયું હતું. આ ઉપરાંત કેજરીવાલ સરકારે કેટલાક ઝોનલ લાઇસન્સધારકોને કેટલીક છૂટો આપી હતી. ટેન્ડર દસ્તાવેજોમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં તેમના લાયસન્સ ફીમાં 144 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. આવા મનસ્વી નિર્ણયોને કારણે દિલ્હીને 941 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું. આ ઉપરાંત શરાબની ગુણવત્તા નિયંત્રણ માટે લેબ્સ અને બેચ પરીક્ષણ સુવિધાઓ જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નીતિ યોજનાનો ભાગ હોવા છતાં પણ, ક્યારેય સ્થાપિત કરવામાં આવ્યું નહોતું.
AAPએ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ પર CAGના રિપોર્ટના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે રિપોર્ટ હજુ દિલ્હી વિધાનસભામાં રજૂ કરવાનો બાકી છે. એ પહેલા જ ભાજપ પાસે આ રિપોર્ટ કેવી રીતે પહોંચી ગયો. શું ભાજપના કાર્યાલયમાં જ આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, એવો સવાલ તેમણે કર્યો હતો. દિલ્હી વિધાન સભાની ચૂંટણી પહેલા આવેલા CAGનો આ report કેજરીવાલનું ટેન્શન ચોક્કસ વધારશે એવું લાગી રહ્યું છે