Delhi liquor policy case: ED એ વધુ એક AAP નેતાને સમન્સ મોકલ્યું, પૂછપરછ માટે બોલાવ્યા
દિલ્હી લિકર પોલિસી સાથે સંભંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ વધી રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ AAPના વધુ એક નેતાને સમન્સ પાઠવ્યું છે. EDએ દિલ્હી સરકારમાં પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત(Kailash Gahlot)ને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે.
49 વર્ષીય કૈલાશ ગેહલોત દિલ્હીના નજફગઢથી AAPના વિધાનસભ્ય છે. તેઓ દિલ્હી સરકારમાં પરિવહન ઉપરાંત ગૃહ અને કાયદા વિભાગના પણ પ્રધાન છે. સુત્રોના જણાવ્યા મુજબ કૈલાશ ગહલોતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.
AAP ના ત્રણ નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ આ કેસના આરોપો હેઠળ જેલમાં છે. AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ 1 એપ્રિલ સુધી કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. સિસોદિયા એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થયા બાદ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
તાજેતરમાં કૈલાશ ગેહલોતે કેજરીવાલના સમર્થનમાં એક પોસ્ટર શેર કર્યું હતું, જેની ટેગલાઈન હતી ‘ઈન્ડિયા વિથ કેજરીવાલ’. તેમણે લખ્યું કે, “આખો દેશ દિલ્હીના પુત્ર સાથે ઉભો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કેજરીવાલના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. દેશની રાજનીતિને બદલી રહેલા કટ્ટર દેશભક્તને દેશની જનતા એકલા નહીં છોડે. “