Delhi liquor policy case: BRS નેતા કે કવિતાને કોર્ટે આપ્યો ઝટકો, આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી મંજુર કરી

દિલ્હીની લિકર પોલિસી (Delhi liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના નેતા કે.કવિતાને કોર્ટે ઝટકો આપ્યો છે, કોર્ટે 9 એપ્રિલ સુધી તેમની ન્યાયિક કસ્ટડી મંજુર કરી છે. EDએ કે કવિતાને આજે રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. કોર્ટે 9 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી મંજુર કરી છે.
કે કવિતાની જામીન અરજી પર જવાબ દાખલ કરવા EDએ કોર્ટ પાસે સમય માંગ્યો હતો, દરમિયાન કવિતાના વકીલે કહ્યું હતું કે જ્યાં સુધી ED નિયમિત જામીન અરજી પર જવાબ દાખલ કરે, ત્યાં સુધી કવિતાને વચગાળાના જામીન આપવામાં આવે. કે કવિતાએ તેના દીકરાની બોર્ડની પરીક્ષા હોવાનું કારણ આપીને પણ વચગાળાના જામીનની માંગ કરવામાં આવી હતી. કે કવિતાના વચગાળાના જામીન અંગે હવે 1લી એપ્રિલ એપ્રિલના રોજ સુનાવણી થશે.
સુનાવણી દરમિયાન કે. કવિતાના વકીલે કહ્યું કે ED દ્વારા કરવામાં આવી રહેલી તપાસના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા જોઈએ. EDએ કોર્ટને કહ્યું કે કહ્યું કે કવિતા રાજકીય વગ ધરાવે છે, તેથી તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તે પુરાવાનો નાશ કરી શકે છે અને ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરી શકે છે. ઇડી આ કેસમાં આરોપીઓની ભૂમિકાની સતત તપાસ કરી રહી છે અને ગુના હેઠળ એકઠી કરાયેલી કરાયેલી આવકને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
આ કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોને શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. EDએ કહ્યું કે સામાન્ય ગુનાની તપાસ કરતાં આર્થિક ગુનાની તપાસ કરવી વધુ મુશ્કેલ છે, કારણ કે જેઓ આવા ગુના કરે છે તેઓ સાધનસંપન્ન અને વગ ધરવતા લોકો હોય છે. આવા ગુનાનું આયોજન ખૂબ જ ચાલાકીપૂર્વક કરવામાં આવ્યું હોય છે. જેના કારણે તપાસ આગળ વધારવી મુશ્કેલ હોય છે.
EDએ આરોપ લગાવ્યો છે કે તેલંગાણાના પૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની દીકરી કે કવિતા ‘સાઉથ ગ્રૂપ’નો ભાગ હતી, સાઉથ ગ્રૂપે 2021-22ની દિલ્હી આબકારી નીતિ હેઠળ દારૂના વેપાર માટેના લાયસન્સના બદલામાં દિલ્હીના સત્તા પક્ષ આમ આદમી પાર્ટી (AAP) ને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આ પોલિસી હવે રદ કરવામાં આવી છે.