દિલ્હીથી કાશ્મીર ટ્રેન શરૂ થવા પહેલા જ રાજકારણ શરૂ…
નવી દિલ્હીઃ કાશ્મીરને દેશમાં બાકી હિસ્સા સાથે જોડવાવાળી રેલ્વે લાઈન શરૂ થવા પહેલા જ આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. કાશ્મીરમાં મુસાફરી કરતા મુસાફરોએ જમ્મુના કટરા ખાતે ટ્રેન બદલવી પડશે, એની સામે વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો : ભારત ચીન LAC પરના આર્મી ચીફના નિવેદન બાદ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષાના કારણોસર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કાશ્મીર જવાવાળા લોકોએ પહેલા કટરા રેલવે સ્ટ્રેશન પર ઉતરવું પડશે અને પછી તેમની આગળની યાત્રા માટે નવી એટલે કે બીજી ટ્રેનમાં સવારી કરવી પડશે. આ રીતે દિલ્હીથી કાશ્મીર આવવાવાળા યાત્રીઓ કટરામાં ઉતરશે અને તેમની આગળની યાત્રા માટે બીજી ટ્રેનમાં સવાર થશે. વિપક્ષના નેતાઓ જણાવે છે કે આને કારણે કાશ્મીરથી ડાયરેક્ટ કનેક્ટિવિટીનો હેતુ જ માર્યો જાય છે.
અગાઉ સીએમ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જો સુરક્ષાના કારણોસર ટ્રેનને બદલવામાં આવે તો કોઇ વાંધો નથી પરંતુ બાદમાં તેમને લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ હવે સત્તાધારી નેશનલ કોન્ફરન્સ અને વિરોધ પક્ષો દ્વારા એવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે કાશ્મીર આવતા મુસાફરોએ શા માટે કટરા ખાતે ટ્રેન બદલવી પડે. સીએમ અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કોઇ પણ ગેરસમજની શક્યતાઓને પહેલા દૂર કરવી પડશે.
અમે ટ્રેન અને મુસાફરીની સલામતી અને સુરક્ષાની જરૂરિયાતોને પણ સમજીએ છીએ, પણ લોકોને કટરા ખાતે ટ્રેન બદલવાની ફરજ પાડવાથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ વેડફાઇ જશે. મુસાફરોને ટ્રેન બદલવાનું કહેવા કરતા તેમને કટરા અને જમ્મુમાં ચેક ઇન કરવાનું કરી શકાય છે. અમે કટરા ખાતે ટ્રેન બદલવાનું સમર્થન કરતા નથી. જોકે, આ અંગે હજુ સુધી કોઇ નક્કર દરખાસ્ત અમારી પાસે આવી નથી, પણ જ્યારે આવી દરખાસ્ત આવશે, ત્યારે અમે અમારા સૂચનો રજૂ કરીશું.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પણ કાશ્મીર જવાવાળા લોકોએ પહેલા કટરા રેલવે સ્ટ્રેશન પર ફરજિયાત ઉતરવું પડવા અંગેના અહેવાલોની ટીકા કરી હતી અને તેને ઘણું અસુવિધાજનક ગણાવ્યું હતું.
કાશ્મીરના લોકોને સુવિધા આપવાના મોટા મોટા વચનો આપવામાં આવ્યા છે, કાશ્મીર સુધીની ટ્રેન સેવાથી જીવન સરળ બનશે, સામાન્ય લોકોને ફાયદો થશે, પણ વાસ્તવિક્તા કંઇક અલગ છે. આ ટ્રેન સેવાઓ દેખાડો જ છે. તબીબી કારણોસર મુસાફરી કરતા લોકો અને વૃદ્ધોને આને કારણે ઘણી તકલીફ પડશે.
આ પણ વાંચો : Arvind Kejriwal પર ચૂંટણી પ્રચાર દરમ્યાન હુમલો, ભાજપ નેતા પર લગાવ્યો આરોપ
સીએમ ઓમર અબ્દુલ્લાએ દિલ્હીથી કાશ્મીર વચ્ચે સીધી રેલ સેવા શરૂ થવાને કારણે જમ્મુ પર નકારાત્મક અસર થવાની શક્યતાને પણ નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે જમ્મુના લોકોમાં રેલ સેવાને લઇને કેટલીક ચિંતાઓ છે. જ્યારે પઠાણકોટથી જમ્મુ રેલસેવા શરૂ થઇ ત્યારે પઠાણકોટમાં સ્થિતિ થોડી મુશ્કેલ બની ગઇ હતી, તેથી લોકોને ડર છે કે જમ્મુથી કાશ્મીર ટ્રેન સેવા શરૂ થશે તો જમ્મુમાં પરિસ્થિતિ મુશ્કેલ બની જશે, પણ હું જમ્મુના લોકોને ખાતરી આપવા માંગું છું કે કાશ્મીર સુધી રેલસેવા શરૂ થવાથી તેમને કોઇ અસર નહીં પડે, પણ ઉલ્ટો એનાથી ફાયદો થશે, પર્યટનનો વિકાસ થશે અને વેપાર પણ વધશે.