ફરી દિલ્હીની હોસ્પિટલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ અને ફાયરની ટીમો એક્શન મોડમાં !
New Delhi: તાજેતરમાં જ દિલ્હી અને અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની ઘટનાઓ બાદ દેશમાં ફરીથી દિલ્હીમાં હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી (Hospitals in Delhi received bomb threats) હતી. દિપચંદ બધું હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને દાદા દેવ હોસ્પિટલને ઈમેલના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી હતી. ફાયરની ટીમે જણાવ્યું હતું કે મળેલી ધમકીના પગલે શોધખોળ કરાઈ રહી છે.
ફાયર બ્રિગેડનાં અધિકારીએ જણાવ્યું હતુ કે, સવારે 10:45 વાગ્યે અશોક વિહારના દિપચંદ બધું હોસ્પિટલથી, 10:55 વાગ્યે ડાબરીનાં શ્રી દાદા દેવ હોસ્પિટલથી, 11:01 વાગ્યે ફર્શ બજારના હેડગેવાર હોસ્પિટલથી અને તે જ સમયે જીટીબી હોસ્પિટલથી કોલ આવ્યો હતો. જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ચારે હોસ્પિટલ પર ટીમને રવાના કરી દેવામાં આવી છે. હાલ ટીમ ખુબ જ સાવચેતીપૂર્વક અને ઊંડાણથી તપાસ કરી રહી છે. હાલ દિલ્હી પોલીસ પણ આ તપાસમાં લાગી છે કે જેથી મેઈલ ક્યાંથી કરવામાં આવ્યો હતો તે જાણી શકાય.
આ પહેલા પણ 12મી મેના રોજ દિલ્હીના આઠ દવાખાનાઓ અને એરપોર્ટને પણ બમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ અંતે તે અફવા નીકળી હતી. પરંતુ ત્યારબાદ તમામ હોસ્પીટલો અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. તમામ સ્થળોએ આવતા જતા લોકોની અને તેમના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ સંવેદનશીલ વસ્તુઓ મળી નથી.