એક તો 20 રૂપિયાની વોટરબોટલના 100 રૂપિયા લો છો ને પાછો સર્વિસ ચાર્જ?: કોર્ટે ઠપકાર્યા રેસ્ટોરાંને | મુંબઈ સમાચાર
નેશનલ

એક તો 20 રૂપિયાની વોટરબોટલના 100 રૂપિયા લો છો ને પાછો સર્વિસ ચાર્જ?: કોર્ટે ઠપકાર્યા રેસ્ટોરાંને

નવી દિલ્હીઃ કોઈપણ સારા રેસ્ટોરાંમાં જાઓ છો ત્યારે પાણીની બોટલ હોય કે કોલ્ડ ડ્રિંક્સ, ભાવ વધારીને જ લેવામાં આવે છે. કોલ્ડ ડ્રિક્સમાં બરફ વધારે અને ડ્રિંક ઓછું હોય છે, પરંતુ ગ્રાહક તરીકે આપણી ન બોલાવાની ટેવ કે બેદરકારી આપણને જ નડે છે. રેસ્ટોરાંમાં સારું બેસવાનું અને એસી જેવી સુવિધાઓના નામે એમઆરપી પર વધારે ચાર્જ વસૂલવામાં આવે છે અને ત્યારબાદ સર્વિસ ચાર્જ પણ ઘણા રેસ્ટોરાં વસૂલે છે ત્યારે આ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલધૂમ થઈ ગઈ છે અને તેમણે રેસ્ટોરાં એસોસિયેશનને તીખાં શબ્દોમાં ઠપકાર્યા છે.

તમે એમ્બિયન્સ સાથે સર્વિસ ન આપી શકો

હાઈકોર્ટે અગાઉ માર્ચ મહિનામાં સર્વિસ ફી મામલે National Restaurant Association of India NRAI, Federation of Hotels and Restaurant Associations of India FHRAI ને ટકોર કરી હતી. કોર્ટે શુક્રવારે ફરી આ મામલે જણાવ્યું કે તમે જ્યારે સારું એમ્બિયન્સ આપો છો ત્યારે તેની સાથે જ સર્વિસ પણ આપવાની જ હોય છે. સારી બેસવાની વ્યવસ્થાઓના નામે તમે પહેલેથી એમઆરપી કરતા વધારે ભાવ ગ્રાહકો પાસેથી લઈ લો છો.

કોર્ટે ઉદાહરણ આપતા જણાવ્યું કે તમે જ્યારે 20 રૂપિયાની પાણીની બોટલના 100 રૂપિયા ચાર્જ કરો છો ત્યારે એ કેમ નથી કહેતા કે વધારાના 80 રૂપિયા માત્ર એમ્બિયન્સના છે, સર્વિસના નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ યોગ્ય નથી. એક તો તમે એમઆરપી ઉપર વધારાના મનફાવે તેટલા પૈસા ચાર્જ કરો અને વળી સર્વિસ ચાર્જ પણ અલગથી વસૂલો છો. તો એ વધારાના 80 રૂપિયા ગ્રાહક શેના માટે આપે છે.

અગાઉ 28 માર્ચના આદેશમાં કોર્ટે કહ્યું હતું કે ફૂડ બિલ પર તમે જીએસટી વસૂલો અને વળી પાછો વર્સિવ ચાર્જ પણ લો તે ગ્રાહકોના બેવડી લૂંટ જેવું છે.

આ પણ વાંચો…વિધવા પુત્રવધૂને સસરાની પૈતૃક મિલકતમાં ભરણપોષણનો અધિકાર: દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button