દિલ્હી હાઇ કોર્ટ, કાયદો બધા માટે સરખો છે પછી તે કોઇ પણ વ્યક્તિ હોય…
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને મની લોન્ડરિંગના આરોપી સંજય સિંહની અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી અને કહ્યું કે કાયદો બધા માટે સમાન છે. તેમણે ઇડીની ધરપકડને પડકારતી તેમની અરજી હાઇ કોર્ટમાં કરી હતી. સંજય સિંહે અરજીમાં માંગ કરી હતી કે ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે કારણ કે ઇડીએ ધરપકડ માટેના કારણો જાહેર કર્યા નથી.
હાઇ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ સંજય સિંહની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે કાયદો દરેક માટે સમાન છે પછી ભલે તે નેતા હોય કે સામાન્ય નાગરિક. સંજય સિંહની કાયદા અને નિયમો મુજબ જ ધરપકડ કરવામાં આવી છે.
ચુકાદો આપતાં હાઈ કોર્ટે એમ પણ કહ્યું હતું કે અહીં માત્ર આરોપીઓના અધિકારનો જ વાત નથી પરંતુ રાજ્યનો પણ મામલો છે. અને કાયદો બધા માટે સમાન છે. પછી તે જાહેર વ્યક્તિ હોય કે સામાન્ય લોકો. કોર્ટે સુનવણી દરમિયાન સંજય સિંહની ઉલટતપાસનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તપાસ હજુ ચાલુ છે. એટલે હવે દાખલ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.
દિલ્હી હાઈ કોર્ટે સંજય સિંહની એ દલીલને પણ ફગાવી દીધી હતી જેમાં તેણે કહ્યું હતું કે EDએ રાજકીય દ્વેષના કારણે તેની ધરપકડ કરી હતી. કોર્ટે કહ્યું કે અમે અરજદારની આ દલીલ પર કોઈ અભિપ્રાય આપીશું નહીં કારણ કે કોર્ટ તેના માટે બંધાયેલી નથી.