નેશનલ

દિલ્હી હાઇ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપકના જામીન નકાર્યા

નવી દિલ્હી: ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબિર પૂરકાયસ્થ અને મેનેજર અમીત ચકવર્તીની ધરપકડ અને પોલીસ રિમાન્ડના મામલામાં હસ્તક્ષેપ કરવા દિલ્હી હાઇ કોર્ટે શુક્રવારે ઇન્કાર કર્યો હતો. ત્રાસવાદ વિરોધી કાયદા યુએપીએ (અનલોકૂલ એક્ટિવિટિસ પ્રિવેન્શન એક્ટ) હેઠળ બન્ને સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના પગલાને પડકારતી આરોપીની અરજ ફગાવી દેતા. દિલ્હી હાઇ કોર્ટના ન્યાયમૂર્તિ તુષારરાવ ગેડેલાએ કહ્યું કે, “બન્નેની અરજીમાં કોઇ દમ નથી. ત્રીજી ઑક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પૂરકાયસ્થ અને ચકવર્તીની ધરપકડ કરી હતી. ધરપકડ અને સાત દિવસના પોલીસ રિમાન્ડ સામે બન્ને આરોપીએ દિલ્હી હાઇ કોર્ટમાં ઘા નાખી હતી અને વચગાળાની રાહત તરીકે મુક્ત કરવાની વિનંતી કરી હતી. ૧૦મી ઑક્ટોબરે ટ્રાયલ કોર્ટે બન્ને આરોપીને ૧૦ દિવસની જયુડિશિયલ કસ્ટડી આપી હતી. ચીનની તરફેણમાં પ્રચાર કરવા નાણાં મેળવ્યા
હોવાના આરોપસર બન્ને સામે યુએપીએ હેઠળ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો હતો. ભારતના સાર્વભૌમત્વનો ભંગ કરવા અને દેશ સામે અસંતોષ ઊભો કરવા, ચીનથી મોટા પ્રમાણમાં ભંડોળ આવ્યું હતું. તેવું એફઆઇઆરમાં કહેવામાં આવ્યું હતું.

લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા ખોરવવા પૂરકાયસ્થે પીપલ્સ એલાવન્સ ફોર ડેમોક્રેસી અને સેક્યુલરિઝમ (પીએડીએસ) નામના જૂથ સાથે કાવતરું ઘડ્યું હતું તેવો આરોપ મૂકવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button