દિલ્હીમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા, હવાઈ સેવા પણ પ્રભાવિત

નવી દિલ્હી : દિલ્હીમાં સતત વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ભારત મંડપમ સામે પણ પાણી ભરાયા છે. જેની બાદ અંડર પાસ બંધ કરવામાં આવ્યો છે. સવારથી સતત થઈ રહેલા ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. તેમજ જનજીવનને વ્યાપક અસર થઈ છે. જયારે હવામાન વિભાગે આજે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં ભારે વરસાદના પગલે પરિવહન અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે.

ભારે વરસાદના લીધે એઈમ્સ નજીક પરિવહન બંધ
દિલ્હી સહિત નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીના વસંતકુંજ, આરકે પુરમ, કનોટ પેલેસ અને મિન્ટો બ્રિજ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી સતત વરસાદના કારણે પંચકુઈયા રોડ પર પાણી ભરાયા છે. જયારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદના લીધે એઈમ્સ નજીક પરિવહન બંધ છે. તેમજ રોડ પર પાણી ભરાતા અનેક સ્થળોએ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
પરિવહન અને હવાઈ સેવા પણ પ્રભાવિત
દિલ્હીમાં ભારે વરસાદના પગલે પરિવહન અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 90 ફલાઈટના સમયમાં વિલંબ થયો છે. જયારે ચાર ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ એરલાઈન કંપનીઓ પણ મુસાફરોને તમામ અપડેટ જોઈને જ એરપોર્ટ આવવા જણાવ્યું છે.
અંડર પાસમાં પાણી ભરાતા બંધ કરાયા
ગ્રેટર નોઈડામાં પણ ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા છે. દાદરી રેલવે રોડ, તિલપતા, 130 મીટર, મકોડા, બોડાકી જેવા સ્થળો સિવાય અંડર પાસમાં પાણી ભરાતા તેને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ભારે વરસાદ, બસ પર ઝાડ પડતા પાંચ લોકોના મોત