દિલ્હી હાઇકોર્ટે દવાઓના ઓનલાઇન વેચાણ અંગે આપ્યો મહત્વનો આદેશ, કેન્દ્રને કહ્યુ આ છેલ્લી તક..

દિલ્હી હાઇકોર્ટે ગુરૂવારે કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઇન વેચાણના મુદ્દે પોલિસી બનાવવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયમૂર્તિ મિની પુષ્કરણાની ખંડપીઠ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે છેલ્લા પાંચ વર્ષથી આ વિવાદનો કોઇ ઉકેલ આવ્યો નથી. આ વખતે કેન્દ્ર સરકારને આ મામલે પોલિસી ઘડવા માટે છેલ્લી તક આપવામાં આવી રહી છે.
કોર્ટે કહ્યું હતું કે જો આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સંયુક્ત સચિવે પોતે કોર્ટમાં આગામી સુનાવણીમાં હાજર રહેવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરતી વખતે વકીલ કિર્તીમાન સિંહે જણાવ્યું હતું કે 28 ઓગસ્ટ 2018ના આદેશો પર વિચારવિમર્શ હજુ ચાલુ છે.
દિલ્હી હાઇકોર્ટે આ દલીલો બાદ જણાવ્યું હતું કે “કોર્ટનું માનવું છે કે પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી, કેન્દ્ર પાસે પોલિસી બનાવવા માટે પૂરતો સમય છે. પછી કોર્ટ આઠ અઠવાડિયામાં પોલિસી બનાવવા માટે એક છેલ્લી તક આપી રહી છે. જો દવાઓનું ઓનલાઈન વેચાણ પોલિસી હોય તો આ અંગે કરવામાં આવ્યું નથી, તો સંયુક્ત સચિવે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવું પડશે.”
ડિસેમ્બર 2018માં દિલ્હી હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો, કારણ કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ-1940 અને ફાર્મસી એક્ટ-1948 હેઠળ તેને મંજૂરી નથી. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં પ્રતિબંધનો આદેશ હોવા છતાં દવાઓનું ઓનલાઈન વેચાણ ચાલુ રાખવા બદલ ઈ-ફાર્મસી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં કોર્ટના આદેશ છતાં દોષિત ઈ-ફાર્મસી કંપની સામે કોઈ પગલાં ન લેવા બદલ કેન્દ્ર સરકાર સામે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી હતી.