રોકડ વસૂલાત વિવાદમાં ફસાયેલા દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશની બદલીની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી મોટી રકમની રોકડ મળ્યાના વિવાદ બાદ અલાહાબાદ હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળના પાંચ સભ્યોના કોલેજિયમે આ કથિત ઘટના બાદ એક તાત્કાલિક બેઠક યોજી હતી અને જસ્ટિસ વર્માની દિલ્હી હાઇ કોર્ટમાંથી બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી ‘રોકડ’નો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસે આપ્યું આ નિવેદન
જસ્ટિસ વર્માની પ્રસ્તાવિત બદલી ત્યારે અમલમાં આવશે જ્યારે કેન્દ્ર કોલેજિયમની ભલામણનો સ્વીકાર કરશે. જેને હજુ સુધી સત્તાવાર રીતે મોકલવાની બાકી છે. જરૂર પડ્યે કોલેજિયમ આગળની કાર્યવાહી પણ કરી શકે છે.
કેટલાક સરકારી અધિકારીઓ પાસેથી જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી મોટી રકમની રોકડ મળી હોવાની માહિતી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. એવા પણ અહેવાલો છે કે કોલેજિયમના કેટલાક વરિષ્ઠ જસ્ટિસ વર્માની બદલી ઉપરાંત તેમની સામે કડક કાર્યવાહી ઇચ્છે છે.
તેમનું માનવું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમનું રાજીનામું માગવું જોઇએ અને જો તે તેમ કરવાનો ઇનકાર કરે છે, તો સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર જસ્ટિસ વર્મા સામે આંતરિક તપાસ શરૂ કરી શકાય છે.