Arvind Kejriwal ની ધરપકડને પડકારતી અરજી પર અદાલતે CBI પાસે જવાબ માંગ્યો
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal)સીબીઆઇ ધરપકડને પડકારતી અરજી પર મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. તેમની કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઇ (CBI)દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જેના પગલે કોર્ટે તેમની ધરપકડને લઇને સીબીઆઈ પાસે જવાબ માંગ્યો છે. તેમજ આ કેસની આગામી સુનાવણી હવે 17 જુલાઈએ થશે.
FIR 2022માં જ નોંધવામાં આવી હતી
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે FIR 2022માં જ નોંધવામાં આવી હતી. તેને એપ્રિલ 2023માં બોલાવવામાં આવ્યા હતા. તેમની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારપછી કંઈ થયું ન હતું અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ધરપકડના મેમોમાં કેટલાક કારણો જણાવવા જરૂરી છે.
જજે શનિવારે કેસની યાદી આપવા જણાવ્યું
કોર્ટે સિંઘવીને કહ્યું કે તમે ધરપકડ રદ કરવા અને કસ્ટડીમાંથી મુક્ત કરવાની માંગ કરી રહ્યા છો? સિંઘવીએ હામાં જવાબ આપતાં કોર્ટે પૂછ્યું, ‘તમે જામીન અરજી દાખલ કરી છે?’ સિંઘવીએ જવાબ આપ્યો કે તેમણે હજી સુધી આવું કર્યું નથી, પરંતુ તેમ કરવા જઇ રહ્યા છે. કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવીને જવાબ દાખલ કરવા કહ્યું છે.
26 જૂને તિહાડ જેલમાંથી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાડ જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઇડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં તે ન્યાયિક કસ્ટડીમાં હતા. ધરપકડ બાદ નીચલી કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા હતા. રિમાન્ડ પૂરા થયા બાદ તપાસ એજન્સીએ કેજરીવાલને ફરીથી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની અપીલ કરી હતી જેને કોર્ટે સ્વીકારી હતી.