
નવી દિલ્હી : દિલ્હી સરકારે સ્પોર્ટ્સ અને ખેલાડીઓ પ્રોત્સાહન આપવા મુખ્ય મંત્રી ખેલ પ્રોત્સાહન યોજના હેઠળ મહત્વના નિર્ણય લીધા હતા. જેમાં ઓલમ્પિક અને પેરાલિમ્પિક પદક વિજેતાઓને અપાતા રોકડ પુરસ્કારની રકમમાં ફેરફાર કર્યો છે. જેમાં હવે સુવર્ણ પદક વિજેતાને સાત કરોડ, રજત ચંદ્રક વિજેતાને પાંચ કરોડ અને કાંસ્ય ચંદ્રક વિજેતાને ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે.
ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનોથી પ્રેરણા
આ ઉપરાંત દિલ્હી સરકારે દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી
રેખા ગુપ્તાએ વાયદો કર્યો કે આંતર રાષ્ટ્રીય પદક વિજેતાઓને ગ્રેડ એ સરકારી નોકરી આપવા આવશે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીના ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનોથી પ્રેરિત થઈને આ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમજ રાજય
અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ પાંચ લાખ રૂપિયાની ટ્રેનીંગ સહાયતા આપવામાં આવશે. તેમજ એટલી જ રકમનો મેડીકલેઈમ પણ તેમાં સામેલ છે. જયારે અન્ય ખેલાડીઓ માટે આ સુવિધા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે જયારે 10 લાખ રૂપિયાનો મેડીક્લેઇમ આપવામાં આવશે.
વિજેતાએ દિલ્હીના નિવાસી હોવું ફરજીયાત
આ ઉપરાંત મંત્રી આશિષ સુદે જણાવ્યું હતું કે, આંતર રાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ અને સહયોગીઓથી માન્યતા પ્રાપ્ત સ્પર્ધકોને મુસાફરી, આવાસ, ભોજન અને ટુર્નામેન્ટ રજીસ્ટ્રેશન માટે બે લાખ રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે. આ માટે વિજેતાએ દિલ્હીના નિવાસી હોવું ફરજીયાત છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠકમાં દિલ્હી અને રાજ્યો વચ્ચેના ખેલાડીઓની અસમાનતા દુર કરવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.