દિલ્હી સરકારે દિવાળી પહેલા બે અઠવાડિયામાં 3 કરોડ દારૂની બોટલ વેચી કરી મબલક કમાણી
દિલ્હી: દિવાળીની રજાઓ દરમિયાન દિલ્હીમાં દારૂના વેચાણમાં વધારો નોંધાયો હતો. દિલ્હીમાં દિવાળીના તહેવાર દરમિયાન લોકોએ શુક્રવારથી રવિવાર સુધીમાં લગભગ 121 કરોડ રૂપિયાની 64 લાખ દારૂની બોટલો ખરીદી હતી. અધિકારીઓએ આ માહિતી આપતા કહ્યું હતું કે સત્તાવાર આંકડાઓ અનુસાર, દિવાળીના એક અઠવાડિયા પહેલા એક કરોડથી વધુ દારૂની બોટલના વેચાણથી સરકારને 234.15 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આબકારી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હોળી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન દારૂનું વેચાણ વધી જાય છે કારણ કે દારુ માત્ર અંગત વપરાશ અને સંગ્રહ માટે જ નહીં પરંતુ ભેટમાં આપવા માટે પણ ખરીદવામાં આવે છે.
સત્તાવાર માહિતી અનુસાર, દિવાળી પહેલાના 17 દિવસમાં કુલ ત્રણ કરોડ બોટલનું વેચાણ થયું હતું, જેનાથી રૂ. 525.84 કરોડની આવક થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા, દારૂના વેચાણમાં વધારો થયો હતો અને ગુરુવાર, શુક્રવાર અને શનિવારે દુકાનો પર અનુક્રમે 17.33 લાખ, 18.89 લાખ અને 27.89 લાખ બોટલનું વેચાણ થયું હતું.
દિલ્હી સરકારે ત્રણ દિવસમાં 64 લાખથી વધુ બોટલોના વેચાણથી કુલ રૂ. 120.92 કરોડની કમાણી કરી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે દિવાળીના ત્રણ દિવસ પહેલા દારૂનું વેચાણ અનુક્રમે 13.46 લાખ, 15 લાખ અને 19.39 લાખ બોટલનું થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે 2022માં દિવાળીના 17 દિવસમાં દિલ્હીમાં 2.11 કરોડ દારૂની બોટલો વેચાઈ હતી. આ સંદર્ભમાં, આ વર્ષે વેચાયેલી બોટલની સંખ્યા લગભગ 42 ટકા વધુ છે.