દિલવાલે કહાં ગયેઃ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં યુવાનો પડી રહ્યા, પણ…
નવી દિલ્હી: દિલ્હીવાસીઓ માટે હિન્દીમાં એક કહેવત છે કે દિલ્હી દિલવાલો કી… પણ આ જ દિલ્હીમાં એક એવી ઘટના બની હતી કે જે જોઈને લોકોને શરમ અનુભવી રહ્યા છે. દિલ્હીના રસ્તા પર અકસ્માતનો ભોગ બનેલ બે યુવાનો અડધો કલાક સુધી લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડી રહ્યાં હતા, પરંતુ એક પણ વ્યક્તિએ તેમને કોઈ મદદ કરી નહોતી. એટલું જ નહીં, અમુક લોકોએ રીતસરના વીડિયો બનાવ્યા હતા.
અકસ્માત પછી ત્યાંથી પસાર થઇ રહેલ કેટલાંક લોકોએ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનોનો વીડિયો બનાવ્યો હતો. વધુ શરમજનક વાત તો એ હતી કે ત્યાંથી પસાર થઇ રહેલા કેટલાંક લોકોએ લોહીથી લથબથ આ યુવાનોને મદદ કરવાને બદલે તેમને લૂંટી લીધા હતા.
પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 28મી ઓક્ટોબરના રોજ રાત્રે 10:11 વાગ્યે પીસીઆર પર કોલ આવ્યો હતો કે બે યુવાનો રસ્તા પર લોહી લુહાણ હાલતમાં પડ્યા છે. આ બંનેની બાઇકનો અકસ્માત થયો છે. પોલીસ ઘટના સ્થળે ત્યારે પહોંચી જ્યારે બંને યુવાનોને કોઇ બીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાસ્થળે કોઇ સાક્ષી નહોતું. અમે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તોમાંથી એક યુવાનને PSRI હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બીજાને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ કેસમાં લોકોની બેદરકારીને કારણે એક યુવાન જિંદગી સામેની જંગ હારી ગયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.