નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની હવામાં દિવસે દિવસે પ્રદૂષણનો વધારો થઇ રહ્યો છે. આજની હવા એટલી ખરાબ છે કે સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. GRAP-III અને AQI 400 ને પાર કર્યા બાદ હવે દિલ્હી-NCRની શાળાઓમાં વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. દિલ્હીની હવામાં AQI સ્તર સતત વધી રહ્યું છે.
શનિવારે બપોરના સમયે દિલ્હીનો AQI 450 આસપાસ નોંધાયો હતો. દિલ્હી-એનસીઆરમાં GRAP-III ના અમલીકરણ પછી, મોનિટરિંગ માટે રચાયેલી પેટા સમિતિએ શનિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ મીટિંગમાં, IMD અને IITM દ્વારા આપવામાં આવેલા ડેટા અને હવામાન સંબંધી પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરતા સમિતિએ કહ્યું હતું કે GRAP-III 22 ડિસેમ્બરની સાંજે જ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ AQI સ્તર અને તેની અસરની રાહ જોવી જોઈએ. હાલમાં IMD અને IITM દિલ્હીના સરેરાશ AQIમાં ધીમે ધીમે સુધારાનો સંકેત આપી રહી છે. પરંતુ હવાનું સુધારવાને બદલે ખરાબ જ થઈ રહ્યું છે.
નોંધનીય છે કે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં GRAP-III હેઠળ પ્રતિબંધો લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ વાહનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવી નથી.
આ નિયમમાંથી, રેલવે, એરપોર્ટ, NH, ફ્લાયઓવર સંબંધિત રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ માટે બાંધકામ પ્રવૃત્તિઓને મુક્તિ આપવામાં આવી છે. જો કે બાંધકામ સાઇટ્સ પર ધૂળને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાંનું પાલન કરવું ફરજિયાત રહેશે. જો GRAP-IV લાગુ થાય તો શું થશે?
- દિલ્હીમાં આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રકો અને LNG/CNG/ઇલેક્ટ્રિક ટ્રક સિવાયની અન્ય તમામ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
- EV/CNG/BS-VI ડીઝલ સિવાયના દિલ્હીની બહાર નોંધાયેલા નાના વાહનો માટે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી રદ થઈ શકે છે. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ/સેવાઓ પ્રદાન કરતા વાહનોને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવશે.
- દિલ્હીમાં નોંધાયેલા મધ્યમ અને ભારે ડીઝલ માલસામાનના વાહનોના સંચાલન પર પ્રતિબંધ હોઈ શકે છે. આવશ્યક ચીજવસ્તુઓ/સેવાઓ પ્રદાન કરતા વાહનોને મુક્તિ આપવામાં આવી શકે છે.
- હાઈવે, રસ્તા, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન લાઈનો, પાઈપલાઈન જેવા સાર્વજનિક પ્રોજેક્ટ્સમાં પણ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી શકાય છે.
- એનસીઆરની રાજ્ય સરકારો અને દિલ્હી સરકાર શાળાઓમાં શારીરિક વર્ગો બંધ કરવા અને ઑનલાઇન મોડમાં વર્ગો ચલાવવાનો નિર્ણય લઈ શકે છે.
- NCR રાજ્ય સરકારો/દિલ્હી સરકાર જાહેર અને ખાનગી કચેરીઓમાં 50% હાજરી સાથે કામ કરવા અને બાકીના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લઈ શકે છે.
- કેન્દ્ર સરકાર તેમની ઓફિસમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.
- રાજ્ય સરકારો કૉલેજ/શૈક્ષણિક સંસ્થાઓ અને બિન-કટોકટી વ્યાપારી સંસ્થાઓને બંધ કરવા સહિત વધારાના કટોકટીના પગલાં પર વિચાર કરી શકે છે. તેમજ વાહનો અંગે ઓડ-ઈવન સ્કીમ લાગુ કરી શકાય છે.