સૌથી વધુ ઇલેક્ટ્રિક બસો ધરાવતું શહેર બન્યું દિલ્હીઃ પ્રદૂષણને પગલે સીએનજી-ડીઝલ બસોને મળ્યો જાકારો
નવી દિલ્હી: કેજરીવાલ સરકાર દ્વારા રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ઓછું થાય તે માટેના શક્ય એવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં આજે નવી 500 ઇલેક્ટ્રિક બસ સામેલ કરવામાં આવી છે. દિલ્હીના રાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી પરિવહન નિગમના ઇન્દ્રપ્રસ્થ ડેપો પર નવી બસોને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગહેલોતે જણાવ્યું હતું કે હવે દિલ્હીમાં કુલ 1300 ઇલેક્ટ્રિક બસ મુકાઇ છે. આ ઉપરાંત 6000 જેટલી વધુ ઇલેક્ટ્રિક બસો ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કેજરીવાલ સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2025 સુધી દિલ્હીમાં કુલ 10,500 બસો હોય જેમાંથી 80 ટકા ઇલેક્ટ્રિક બસ હોય.
સીએનજી-ડીઝલના ધુમાડાને પગલે પર્યાવરણને ભારે નુકસાન થયા છે, આમ પણ દિલ્હીમાં પરાળી બાળવાને પગલે વાયુ પ્રદૂષણનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો છે. જેને પગલે કેજરીવાલ સરકાર શહેરમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના પગલારૂપે ઇલેક્ટ્રિક બસોના કાફલામાં ધડાધડ વધારો કરી રહી છે.
હાલ જે બસો શહેરમાં દોડી રહી છે તેમાંથી જૂની સીએનજી બસોને જાકારો આપવાની કામગીરી પણ ચાલુ છે, આ બસો વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સના સમયે ખરીદવામાં આવી હતી.
દિલ્હીની આબોહવામાં પેટ્રોલ-ડીઝલના ધુમાડાને પગલે જે કાર્બન ઉત્સર્જન થાય છે તેને ઓછું કરવાની દિશામાં કેજરીવાલ સરકાર ઘણું કામ કરી રહી છે તેવું પરિવહન પ્રધાને જણાવ્યું હતું.