Delhi Election Results: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારના આ રહ્યા 5 કારણો
![Delhi Election Results: Here are 5 reasons for Aam Aadmi Party's defeat in Delhi](/wp-content/uploads/2025/02/aap-3-cm-face-back.webp)
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપ 43 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને 5 બેઠક પર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ 5 બેઠક જીતી છે અને 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સાથે દિલ્હીમાં છેલ્લા ત્રણ કાર્યકાળથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી સત્તામાંથી બહાર થઈ હતી. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની વાપસી થઈ હતી.
દિલ્હીમાં આપની હારના કારણો
દારૂ નીતિ કૌભાંડઃ આમ આદમી પાર્ટી દારૂના કૌભાંડના ડાઘને દૂર કરી શકી ન હતી. ભાજપ છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે તેમને ઘેરી રહી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને રાજ્યસભા સભ્ય સંજય સિંહનો સમાવેશ થાય છે. આ મુદ્દે તેઓ સતત આપના નેતાઓને ઘેરી રહ્યા હતા. જેના બચાવમાં આપના નેતાઓ કાનૂની દાવ સિવાય કોઈ મજબૂત દલીલ આપી શક્યા નહોતા. આમ આદમી પાર્ટીનું હારનું આ મુખ્ય કારણ હતું.
ભ્રષ્ટાચારના આરોપોઃ આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. દારૂ કૌભાંડ ઉપરાંત દિલ્હી જળ બોર્ડનું કૌભાંડ પણ તેમાંથી એક હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ આરોપી છે. ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પક્ષના સૌથી મોટા નેતાઓમાં સામેલ છે. આમ આદમી પાર્ટીની સ્થાપના કરનાર કેજરીવાલ પણ આ આરોપથી બચી શક્યા નહોતા. ભાજપે સતત તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.
સીએમ પદઃ આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દારૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એક શરત મૂકી હતી કે તેઓ મુખ્ય પ્રધાન રહી શકે છે પરંતુ કોઈ પણ ફાઇલ પર હસ્તાક્ષર કરી શકશે નહીં. આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી જાય તો પણ મુખ્ય પ્રધાન કોણ બનશે તે અંગે લોકોમાં અટકળો શરૂ થઈ ગઈ હતી. કેજરીવાલએ એમ પણ કહ્યું હતું કે આતિશી કાર્યવાહક મુખ્ય પ્રધાન છે, તેથી લોકોને લાગ્યું કે દારૂ કૌભાંડનો ચુકાદો ન આવે ત્યાં સુધી કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકે કોઈ કામ કરી શકશે નહીં. જેથી લોકોએ ભાજપને મત આપવાનો નિર્ણય કર્યો હતો.
નેતાઓનો પક્ષપલટોઃ દિલ્હીમાં ચૂંટણી પ્રચારની ચરમસીમાએ આમ આદમી પાર્ટી (આપ) ના સાત ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી અને ભાજપ સાથે જોડાયા હતા. અગાઉ આમ આદમી પાર્ટીના ઘણા કેબિનેટ મંત્રીઓ પણ પક્ષ છોડીને અન્ય પક્ષોમાં જોડાયા હતા. તેમાંથી કૈલાશ ગહેલોત અને રાજેન્દ્ર પાલ મોખરે છે. આ બંને નેતાઓ એક સમયે આપનો મુખ્ય ચહેરો હતા. તેની અસર ચૂંટણી પર પડી હતી.
આ પણ વાંચો…કભી તુમ સૂન નહીં પાયે, કભી મૈં કહે નહીં પાયા….. કુમાર વિશ્વાસની પોસ્ટ વાયરલ
કૉંગ્રેસનું પ્રદર્શન સુધર્યુંઃ આ ચૂંટણીમાં કૉંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. પરંતુ તેઓ પોતાનો વોટ શેર વધારવામાં સફળ રહ્યા હતા. ભાજપને 46.86 ટકા, આમ આદમી પાર્ટીને 43.23 ટકા અને કૉંગ્રેસને 6.36 ટકા વોટ શેર મળ્યો હતો. 2020ની ચૂંટણીમાં કૉંગ્રેસને 4.26 ટકા વોટ શેર મળ્યો હતો. કૉંગ્રેસનો વોટ શેર 2.10 ટકા વધ્યો હતો. કૉંગ્રેસના વોટ શેરમાં થયેલા વધારાની અસર આપ પર પડી અને મહત્ત્વની સીટો ગુમાવવાની સાથે સત્તામાંથી પણ ફેંકાઈ ગયું.