દિલ્હીમાં ઇડીએ ગેરરીતિના કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું, 13 કરોડનો મુદ્દામાલ સહિત લંડનની એક સંપત્તિ જપ્ત…

નવી દિલ્હી : દિલ્હીમાં ઈડીએ દરોડા દરમિયાન કરોડ રૂપિયાની રોકડ અને સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત ઇડીએ આ કેસ સાથે સંકળાયેલી અને લંડનમાં બકિંગહામ પેલેસ નજીક સ્થિત વૈભવી મિલકતને પણ જપ્ત કરી છે. આ પૂર્વે ઇડીએ ગેરરીતિના કેસમાં 30 ડિસેમ્બરના રોજ દિલ્હીના સર્વપ્રિય વિહાર વિસ્તારમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં ઇડીએ ઈન્દ્રજીત સિંહ યાદવ તેમના સહયોગીઓ, એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય સંબંધિત સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે દિલ્હીના સર્વપ્રિય વિહાર વિસ્તારમાં ઈન્દ્રજીત સિંહ યાદવના સહયોગી અમન કુમારના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
15 થી વધુ એફઆઈઆર અને ચાર્જશીટના આધારે તપાસ શરૂ
આ સમગ્ર કેસની વિગતો મુજબ હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસે ઇન્દ્રજીત યાદવ વિરુદ્ધ 15 થી વધુ એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ કરી છે. તેના પર ખંડણી, બંદૂકની અણીએ ધાકધમકી અને ખાનગી ફાઇનાન્સરો સાથે બળજબરીથી લોન પતાવટ દ્વારા કમિશન મેળવવાના ગંભીર આરોપો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇડી, હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસે ઇન્દ્રજીત સિંહ યાદવ અને તેના સહયોગીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ, 1959, બીએનએસ 2023 અને ભારતીય દંડ સંહિતા 1860ની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો…એફસીઆરએ કેસમાં મહારાષ્ટ્ર સ્થિત ટ્રસ્ટ અને યમનના નાગરિક સામે ઇડીની રેઇડ
અમન કુમારના નિવાસેથી રોકડ અને દાગીના મળી આવ્યા
દિલ્હીના સર્વપ્રિય વિહારમાં અમન કુમારના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન રૂપિયા 5. 12 કરોડ, રૂપિયા 8.80 કરોડના દાગીના ભરેલી સુટકેસ, ચેકબુક ભરેલી બેગ અને રૂપિયા 35 કરોડની સંપત્તિ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ કામગીરી હજુ પણ ચાલુ છે.



