Akhunji Masjid: આ એક ગેરકાયદેસર માળખું છે કહીને ડીડીએએ દિલ્હીમાં અખુંદજી મસ્જિદને કરી જમીન દોસ્ત…
નવી દિલ્હી: 30 જાન્યુઆરીના રોજ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે DDA એ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં 600 વર્ષ જૂની અખુંદજી મસ્જિદને તોડી પાડી હતી. આ ઘટના બાદ બોર્ડ મેનેજમેન્ટ કમિટી દિલ્હી હાઈ કોર્ટમાં કેસ કર્યો છે જેના કારણે હાઈ કોર્ટે DDAને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે મસ્જિદ કયા આધારે તોડી પાડવામાં આવી છે. જોકે ડીડીએ એ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે તે અતિક્રમણ હતું અને આરક્ષિત જંગલ વિસ્તારમાં બાંધવામાં આવ્યું હતું, તેથી તેને તોડી પાડવામાં આવ્યું હતું.
જો કે ઘણા લોકોનું કહેવું છે કે ડીડીએની આ દલીલ એકદમ ખોટી છે. સંજય ફોરેસ્ટ એરિયા કે જેમાં આ મસ્જિદ આવેલી હતી તેને 1994માં જ આરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ જૂની મસ્જિદને અતિક્રમણ કેવી રીતે ગણી શકાય? અને આ તમામ ઘટના વચ્ચે મોટો પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે આ મસ્જિદ ક્યારે બની અને કોને બનાવી?
અખુંદજી મસ્જિદ ક્યારે બંધાઈ હતી? આ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ તે કેટલી જૂની છે તેનો અંદાજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રકાશન પરથી લગાવી શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારી દ્વારા 1922ના પ્રકાશનમાં નોંધવામાં આવ્યું છે કે આ મસ્જિદનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તે જૂની ઇદગાહની પશ્ચિમમાં હતી.જ્યારે તૈમૂરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે તે અસ્તિત્વમાં હતી.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સહાયક અધિક્ષક મૌલવી ઝફર હસન દ્વારા લખાયેલ કેટલોગ ઓફ મુહમ્મડન એન્ડ હિન્દુ મોન્યુમેન્ટ્સ, વોલ્યુમ 3ના અનુસાર અખુંદજી મસ્જિદ ઇદગાહની પશ્ચિમમાં લગભગ 100 યાર્ડ જેટલા વિસ્તારમાં આવેલી છે. આ ઉપરાંત લેખક સોહેલ હાશ્મીએ લખ્યું હતું કે તે એક કાર્યરત મસ્જિદ હતી અને 1994 માં જ્યારે સંજય વન વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો તે પહેલા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આથી તેને અતિક્રમણ કહેવું ખોટું છે.