MLA હોર્સ ટ્રેડિંગ મામલે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ કેજરીવાલ પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે નોટિસ આપી છે. લગભગ 5 કલાકની રાહ જોયા બાદ નોટિસ મળતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરેથી રવાના થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીના સ્ટાફે નોટિસ આપી હતી. દિલ્હી પોલીસે ત્રણ દિવસમાં મુખ્યમંત્રી પાસેથી નોટિસનો જવાબ માંગ્યો છે. કેજરીવાલને આ નોટિસ ભાજપના ધારાસભ્યો પર લાગેલા હોર્સ ટ્રેડિંગના આરોપોને લઈને જારી કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે નોટિસમાં પોલીસે મુખ્યમંત્રીને ભાજપના ધારાસભ્યો પર લાગેલા આરોપોના પુરાવા પૂછ્યા છે. આ ઉપરાંત તેમને તે સાત ધારાસભ્યોના નામ જાહેર કરવા પણ કહેવામાં આવ્યું હતું જેના આધારે હોર્સ ટ્રેડિંગના આરોપો લગાવવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે કેજરીવાલ નોટિસનો જવાબ આપે છે કે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે નોટિસમાં લખ્યું છે કે મુખ્યમંત્રીએ જે પુરાવાના આધારે ભાજપ પર આરોપો લગાવ્યા છે તે તમામ પુરાવા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે જેથી કરીને આ મામલે વધુ તપાસ થઈ શકે.
નોટિસ લઈને પહોંચેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે તેઓ કેજરીવાલને જ નોટિસ સોંપવા ઈચ્છે હતી. જોકે, અંતે કેજરીવાલ નોટિસ લેવા આગળ ન આવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ઓફિસના સ્ટાફને નોટિસ આપી અને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 27 જાન્યુઆરીએ દાવો કર્યો હતો કે ભાજપ પોતાના ધારાસભ્યોને તોડીને સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘તાજેતરમાં તેમણે અમારા સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે થોડા દિવસોમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ ધારાસભ્યોને તોડશે . 21 ધારાસભ્યો સાથે વાતચીત થઈ છે અને બાકીના ધારાસભ્યો સાથે પણ વાતચીત ચાલી રહી છે. તમે લોકો પણ આવી જાઓ, 25 કરોડ રૂપિયા આપીશું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવી દઇશું’.