નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી(Delhi)ઠંડી , ધુમ્મસ અને ભારે વાયુ પ્રદૂષણની શિકાર બની છે. જેમાં તીવ્ર ઠંડીની વચ્ચે દિલ્હીની હવા ઝેરી બની રહી છે. ફરી એકવાર પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે. સવારે 7 વાગ્યા સુધીના ડેટા અનુસાર, દિલ્હીમાં સરેરાશ AQI 442 નોંધવામાં આવ્યો છે. જેમાં આનંદ વિહાર, બુરારી અને લાજપત નગરમાં AQI 480 થી ઉપર નોંધવામાં આવ્યો છે. દિલ્હીના 37 કેન્દ્રોમાંથી 32એ AQI સ્તર 400થી વધુ નોંધાયો છે. આ વિકટ પરિસ્થિતિમાં પ્રદૂષણ ઘટાડવા બે દિવસ પહેલા રાજધાનીમાં GRAP-4 લાગુ કરવામાં આવ્યું છે.
વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ
દિલ્હીમાં સવારે 5.30 વાગ્યે તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને IGI એરપોર્ટ પર સવારે 7 વાગ્યે વિઝિબિલિટી 300 મીટર હતી. જો કે સફદરજંગમાં તે માત્ર 50 મીટર હતી. પ્રદૂષણમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. વધતા પ્રદૂષણથી દિલ્હીનું વાતાવરણ વધુ ઝેરી બની ગયું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.
Also Read – કાશ્મીરમાં શીત લહેરનો પ્રકોપઃ કોકરનાગમાં માઇનસ ૩.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન…
મુંબઈમાં નરીમાન પોઈન્ટ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસ
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, મુંબઈ શહેરના ઘણા ભાગોમાં ધુમ્મસ જોવા મળી છે. મુંબઇમાં હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ મુંબઈમાં ધુમ્મસ હતું. મુંબઈગરાઓ માટે આજે સવારની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઈ હતી. જેની વિઝિબિલિટી પર પણ અસર પડી રહી છે. નરીમાન પોઈન્ટ અને મુંબઈના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસ વચ્ચે લોકોએ મોર્નિંગ વોક કર્યું હતું.