ED vs Kejriwal: કેજરીવાલ આજે વર્ચ્યુઅલ રીતે EDકોર્ટ સમક્ષ હાજર થયા, આ તારીખે પ્રત્યક્ષ હાજર થવા આદેશ
દિલ્હી લિકર પોલિસીમાં કથિત કોભાંડ અંગેના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા પાઠવવામાં આવેલા પાંચ સમન્સનો જવાબ કેમ આપ્યો નથી તેનો જવાબ આપવા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે વર્ચ્યુઅલ રીતે ED કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટે કેજરીવાલને 17મી ફેબ્રુઆરીએ હાજર રહેવા કહ્યું હતું. અરવિંદ કેજરીવાલના વકીલે તેમને હાજરી આપવાથી મુક્તિ આપવામાં આવે એ માટે અરજી કરી છે. વકીલે કોર્ટને કહ્યું કે તેઓ બજેટ અને દિલ્હી સરકારના વિશ્વાસ પ્રસ્તાવને કારણે પ્રત્યક્ષ રીતે હાજર થઈ શક્યા નથી.
મુખ્ય પ્રધાન કેજરીવાલે પોતાના વકીલના માધ્યમથી કોર્ટને કહ્યું કે, હું આજે આવવા માંગતો હતો, પરંતુ અચાનક વિશ્વાસ પ્રસ્તાવ આવી ગયો, અને બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે, તેથી બેઠકો ચાલી રહી છે. આ કેસની આગામી સુનાવણી 16 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. હવે કેજરીવાલે 16 માર્ચે રૂબરૂ હાજર થવું પડશે.
તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે પાંચ સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ એક પણ વખત ED ઓફિસ પહોંચ્યા નથી. હવે EDએ તેમને છઠ્ઠું સમન્સ મોકલ્યું છે.આજે કેજરીવાલ આનો જવાબ આપવા માટે દિલ્હીની કોર્ટમાં હાજર થયા હતા.
દરમિયાન, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મત પ્રસ્તાવ પર આજે દિલ્હી વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે. ઠરાવ રજૂ કરતી વખતે અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો.