નવી દિલ્હીઃ AAP વિધાનસભ્યો દ્વારા હોર્સ-ટ્રેડિંગના આરોપો અને એક્સાઇઝ પોલિસીમાં EDના સમન્સ વચ્ચે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે શનિવારે ચર્ચા કરવાનો નિર્ણય લીધો હતો.
કેજરીવાલે પ્રસ્તાવ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિવિધ રાજ્યોમાં વિરોધ પક્ષો તોડવામાં આવી રહ્યા છે અને ખોટા કેસોમાં ફસાવીને સરકારોને તોડવામાં આવી રહી છે. કેજરીવાલે કહ્યું હતું કે એક્સાઈઝ પોલિસીમાં કોઈ કૌભાંડ નથી. આમ છતાં ભાજપ દિલ્હીમાં દારૂના કૌભાંડની આડમાં મારી ધરપકડ કરવા માંગે છે. તેમણે AAPના ઘણા નેતાઓની ધરપકડ કરી છે.
આ પાછળ તેમનો હેતુ AAP સરકારને પછાડવાનો છે. ભાજપે AAP વિધાન સભ્યોને ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા ન હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ વતી બે વિધાનસભ્યોએ હોર્સ ટ્રેડિંગની માહિતી આપી હતી. આ વિધાન સભ્યોના કહેવા પ્રમાણે ભાજપના નેતાઓએ તેમને કહ્યું હતું કે તેઓ તમારા મુખ્ય પ્રધાનની ધરપકડ કરશે. અમારી 21 વિધાનસભ્યો સાથે વાત થઇ ચૂકી છે. તેમને 25 કરોડ રૂપિયા આપવામાં આવશે અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા મળશે. અમારા બંને વિધાનસભ્યોએ તેમની વાત સાંભળી નહોતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને