દિલ્હીના સીએમ Atishiનું સરનામું બદલાયું, જાણો નવું સરનામું
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી વિધાયક દળની બેઠકમાં આતિશીને(Atishi)દિલ્હીના નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી સોમવારથી નવા સરનામે 6, ફ્લેગ સ્ટાફ રોડ પરના બંગલામાં રહેવા જઈ રહી છે. આ અગાઉ અરવિંદ કેજરીવાલ અહીં રહેતા હતા. અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ રાજીનામું આપ્યા બાદ આ નિવાસસ્થાન ખાલી કર્યું છે. કેજરીવાલ હવે લ્યુટિયન્સ દિલ્હી સ્થિત નિવાસસ્થાને શિફ્ટ થઈ ગયા છે. સોમવારે આતિશીના ઘરનો સામાન 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત બંગલામાં પહોંચાડવામાં આવી રહ્યો છે.
આતિશી અત્યાર સુધી કાલકાજીમાં રહેતી હતી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીના સીએમ આતિશીનો અંગત સામાન અને અન્ય વસ્તુઓ નવા બંગલામાં શિફ્ટ કરવામાં આવી હતી. ગયા વર્ષે કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા બાદ આતિશીને મથુરા રોડ પર AB-17 બંગલો ફાળવવામાં આવ્યો હતો. અત્યાર સુધી આતિશી તેના માતા-પિતા સાથે દક્ષિણ દિલ્હીના કાલકાજીમાં રહેતી હતી. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા મથુરા રોડ પર સ્થિત AB-17 બંગલામાં રહેતા હતા. તેમણે તાજેતરમાં બંગલો ખાલી કર્યો હતો.
કેજરીવાલે તાજેતરમાં જ બંગલો ખાલી કર્યો હતો
અરવિંદ કેજરીવાલ પહેલા જે બંગલામાં રહેતા હતા જ્યાં આતિશીનો સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. જોકે, સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત બંગલો ખાલી કરવો પડ્યો હતો. કેજરીવાલ હાલ મંડી હાઉસ પાસે 5, ફિરોઝશાહ રોડ સ્થિત આવાસમાં રહે છે. આ બંગલો આમ આદમી પાર્ટીના પંજાબના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને ફાળવવામાં આવ્યો છે.