ઇડીના સમન્સ છતાં હાજર ના થયા દિલ્હીના મુખ્ય પ્રધાન
ભાજપે કહ્યું- ડરથી ધ્રૂજી રહ્યા છે કેજરીવાલ
નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. ઇડીના સમન્સ છતાં હાજર ન રહેવા બદલ ભાજપે ફરી એકવાર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન
સાધ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ તેમને ભ્રષ્ટ ગણાવ્યા હતા. ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ડરથી ધ્રૂજી રહ્યા છે અને ઇડી સમક્ષ હાજર થઇ રહ્યા નથી કારણ કે તેઓ જાણે છે કે તેઓ કથિત દારૂ નીતિ કૌભાંડના માસ્ટર માઇન્ડ છે.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે સમન્સને ગેરકાયદે ગણાવીને ઇડીને જવાબ મોકલ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાથી રોકવા માટે તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે.
ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, અપ્રમાણિક અરવિંદ કેજરીવાલ ડરથી ધ્રૂજી રહ્યા છે અને ઇડીના સમન્સને અવગણવા માટે એક પછી એક બહાના બનાવી રહ્યા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે કેજરીવાલ આજે ડરેલા છે કારણ કે તેઓ જાણે છે કે તેમની ધરપકડ નજીક છે. તેમની પાસે ઇડીના સવાલોનો કોઇ જવાબ નથી. તેથી જ તેઓ કાયદાની પ્રક્રિયાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજેપી નેતાએ કહ્યું કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈએ તપાસ એજન્સીને સમન્સ પાછું ખેંચવાનો ‘આદેશ’ આપ્યો હોય.