દિલ્હી વિસ્ફોટમાં કેસમાં ખુલાસો, ઉમર પીએમ આવાસ નજીક ગયો હતો, ઉમરના બે સાથી ફરાર

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટમાં કેસમાં તપાસ એજન્સીઓને રોજ નવી માહિતી સાંપડી રહી છે. જેમાં વિસ્ફોટનો આરોપી ડોકટર ઉમર 9 નવેમ્બરના રોજ રાત્રે 11:30 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લાની સામે બોમ્બ વિસ્ફોટ થયો ત્યાં સુધી સતત દિલ્હીમાં ફરતો રહ્યો.
આ દરમિયાન તે વડાપ્રધાનના નિવાસસ્થાન પાસે પણ ગયો હતો. જયારે કર્તવ્ય પથ પર પણ ગયો હતો. ડો. ઉમર નબીએ વિસ્ફોટ પૂર્વેના 24 કલાક સુધી શું કર્યું તેની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.
ઉમર નબીના બે સાથીઓ પણ ફરાર
આ ઉપરાંત કેસની તપાસ કરી રહેલા સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટના શંકાસ્પદ ઉમર નબીના બે સાથીઓ પણ ફરાર છે. તેઓ દિલ્હી-એનસીઆરમાં છુપાયેલા હોઈ શકે છે. આ આરોપી 9 નવેમ્બરના રોજ રાત્રે 11:30 વાગ્યે કેએમપુર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, અથવા રેવાસન ટોલના જંકશન પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચઢ્યો હતો. ત્યાંથી, તે ફિરોઝપુર ઝીરકા ગયો. તે ત્યાંથી ઉતર્યો પણ આગળ વધ્યો નહીં. ત્યારબાદ તે ફરીદાબાદ થઈને બદરપુર પાછો ફર્યો હતો જ્યાંથી તે દિલ્હીમાં પ્રવેશ્યો.
અલ ફલાહ યુનિવર્સિટી મુદ્દે મોટો ખુલાસો
જયારે તપાસ દરમિયાન અલ ફલાહ યુનિવર્સિટીના માલિક જાવેદ અહેમદ સિદ્દીકી અંગે ખુલાસો થયો છે. જેમાં તે ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તેમણે અગાઉ ચિટ ફંડનું સંચાલન કર્યું હતું અને લોકોને પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. તેની સામે ચૌદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે તેમણે આ પૈસાનો ઉપયોગ યુનિવર્સિટી સ્થાપવા માટે કર્યો હતો. જોકે, બાદમાં તેમણે બધાના પૈસા પરત કરી દીધા અને તમામ કેસમાંથી નિર્દોષ છૂટી ગયા હતા. સિદ્દીકી અને તેના ભાઈ સઉદ અહેમદનું નામ 2000 માં દાખલ કરાયેલી એફઆઈઆર માં હતું.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના રાજૌરીમાંથી વિસ્ફોટક ડિવાઈસ મળી આવ્યું, સુરક્ષિત રીતે નષ્ટ કરાયું



