દિલ્હી વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, એક સાથે 32 સ્થળોએ બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર

નવી દિલ્હી : દિલ્હી બ્લાસ્ટ કેસમાં રોજ નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલી ડો. શાહીને મોટો ખુલાસો કર્યો છે. જેમાં દેશમાં એક સાથે 32 સ્થળોએ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેની માટે મેવાતના 60 યુવાનને તાલીમ આપવામાં આવી રહી હતી.
મોટાભાગના વ્યક્તિઓ અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા
આ અંગે મળતી માહિતી મુજબ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આ ડોક્ટર મોડ્યુલે 32 કારથી દેશમાં આતંક મચાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેની માટે મેવાત અને આસપાસના વિસ્તારોમાં 60 થી યુવાનોને સ્લીપર સેલ તરીકે તાલીમ આપવામાં આવી રહી હતી. જેમાં મોટાભાગના ડોકટરો અને તબીબી વ્યાવસાયિકો છે.
પોલીસ તેમને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. હાલમાં, પોલીસે મેવાત અને આસપાસના વિસ્તારોમાંથી 25 થી વધુ યુવાનોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગના વ્યક્તિઓ કોઈને કોઈ રીતે અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
ડો.આદિલની ધરપકડથી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને ગુપ્તચર વિભાગે તપાસ શરૂ કરી અને 5 નવેમ્બરના રોજ ડો. આદિલની જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટરો લગાવવા બદલ ધરપકડ કરી હતી.
આ આરોપી સહારનપુરની એક હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાર બાદ મૌલવી ઇરફાન અહેમદની ધરપકડ કરવામાં આવી. આદિલે શાહીન અને અન્ય ડોકટરોના નામ તપાસ એજન્સીઓને જાહેર કર્યા. ત્યાર બાદ 9 નવેમ્બરના રોજ ફરીદાબાદમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા.
આ પણ વાંચો…બિહારમાં આ ઉમેદવારની 27 મતથી જીત, જુઓ સૌથી ઓછા મતે વિજેતા બનેલા ઉમેદવારોનું લિસ્ટ



