ડો. મનમોહનસિંહને હરાવનારા દિલ્લી ભાજપના દિગ્ગજ નેતાનું નિધન, મુખ્યમંત્રી પદનો ચહેરો પણ બનેલા

નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેમણે વર્ષ 1999ની સામાન્ય ચૂંટણીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને ભારે માર્જિનથી હરાવ્યા હતા. તેવો દિલ્હીથી પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. વિજય કુમાર મલ્હોત્રાએ દિલ્હીમાં ભાજપના જનાધારને મજબૂત બનાવ્યો હતો. તેમણે દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે ભાજપને મજબૂત બનાવ્યો હતો.
આ અંગે દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, વિજય કુમાર મલ્હોત્રા કેટલાક દિવસોથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે લગભગ 6 વાગ્યે તેમનું નિધન થયું છે.
1999ની સામાન્ય ચૂંટણીમાં મનમોહનસિંહને હરાવ્યા હતા
ભાજપે તેમને 2008માં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. તેમણે 1999 ની સામાન્ય ચૂંટણીમાં મનમોહનસિંહને હરાવ્યા હતા. જયારે વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીમાં મલ્હોત્રા દિલ્હીમાં જીત મેળવનારા એકમાત્ર ભાજપના ઉમેદવાર હતા. આ ઉપરાંત વર્ષ 2008ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વિજય કુમાર મલ્હોત્રા પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર હતા.
દિલ્હીમાં ભાજપના પ્રથમ પ્રમુખ હતા
ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં એમએ અને પીએચડીની ડિગ્રી મેળવી હતી. તેઓ એક શિક્ષણવિદ પણ હતા. વિજય કુમાર મલ્હોત્રાની રાજકીય કારકિર્દી 45 વર્ષથી વધુ લાંબી હતી. તેઓ ભારતીય જનસંઘ સાથે જોડાયેલા હતા અને પછીથી ભાજપના પાયાના નેતા બન્યા હતા. તેઓ દિલ્હીમાં ભાજપના પ્રથમ પ્રમુખ હતા.