નેશનલ

Delhi માં સરકારની રચનાની કવાયત તેજ, ભાજપ કરી રહી છે આ મોડેલ પર વિચાર

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi Election)ભાજપે આમ આદમી પાર્ટીને પછાડીને 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી છે. ત્યારે હવે દિલ્હીમાં સીએમના નામની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે દિલ્હીમાં સમગ્ર સરકારની રચનાને મુદ્દે પણ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપ દિલ્હીમાં સરકારના સુચારું વહીવટ માટે અન્ય રાજયની જેમ એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ મોડેલ અમલમાં મૂકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બે નાયબ મુખ્યમંત્રીઓ રાખવાની વિચારણા

આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપના કેટલાક નેતાઓએ જણાવ્યું હતું કે દિલ્હી સરકારમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ રાખવાથી પાર્ટીને વિવિધ જાતિ, સમુદાય અને પ્રાદેશિક પૃષ્ઠભૂમિના ધારાસભ્યોને સમાવવામાં મદદ મળશે. પાર્ટીના નેતાઓ કહે છે કે આ સંભવ છે કારણ કે આવું ઘણા અન્ય રાજ્યોમાં કરવામાં આવ્યું છે જ્યાં વિવિધ સમુદાયના નેતાઓને સમાવવા માટે બે ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ શાસિત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આ મોડેલ અમલમાં છે.

રવિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી શકે છે

ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત રાષ્ટ્રીય નેતૃત્વના વિચારણા હેઠળ છે. જે તેના પર અંતિમ નિર્ણય લેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના નામો પર પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સપ્તાહના અંતે તેમના વિદેશ પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા બાદ દિલ્હીમાં સરકાર રચનાની પ્રક્રિયા વેગ પકડે તેવી શક્યતા છે. જ્યારે રવિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી શકે છે જેમાં ગૃહના નેતાની પસંદગી કરવામાં આવશે.

મુખ્યમંત્રી માટે પરવેશ વર્માનું નામ ચર્ચામાં મોખરે

દિલ્હીમાં મુખ્યમંત્રી પદના દાવેદારોમાં ભાજપના અનેક ધારાસભ્યોના નામની ચર્ચા થઈ રહી છે.જેમાં પરવેશ વર્માનું નામ ચર્ચામાં મોખરે છે. તેમણે નવી દિલ્હી બેઠક પરથી આપના વડા અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. આ ઉપરાંત દિલ્હી ભાજપના ભૂતપૂર્વ વડા વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય અને મનજિંદર સિંહ સિરસા, પવન શર્મા, આશિષ સૂદ, રેખા ગુપ્તા અને શિખા રાય જેવા વરિષ્ઠ નેતાઓ પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button