
નવી દિલ્હી : દિલ્હીમાં પશુ પક્ષીઓ માટે જીવલેણ એવા બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. જેના પગલે દિલ્હીનો નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રાલયે જાહેર કરેલા આદેશ મુજબ દિલ્હી પ્રાણી સંગ્રહાલય આગામી આદેશ સુધી બંધ રહેશે.
આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બે સેમ્પલમાં બર્ડ ફ્લુની પૃષ્ટિ થઈ છે. નવી દિલ્હીના મથુરા રોડ પર સ્થિત રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય 30 ઓગસ્ટથી આગામી આદેશો સુધી મુલાકાતીઓ માટે અસ્થાયી રૂપે બંધ રહેશે.

H5N1 એવિયન ઇન્ફ્લુએન્જા વાઈરસની પુષ્ટિ
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બંને સેમ્પલમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્જા વાઈરસની પુષ્ટિ થઈ છે. તેમજ પશુ પક્ષીઓની દેખરેખ અને સારવાર માટે અનેક સેવાઓ ચાલુ રહેશે.
જોકે, તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બર્ડ ફ્લુની એસઓપીનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ બર્ડ ફ્લુ વધુ ના ફેલાય માટે જરૂરી પગલા લેવા માટે જણાવવામાં આવ્યું છે.

બે સારસના મોત બાદ સેમ્પલ ભોપાલ મોકલાયા હતા
આ અંગે દિલ્હી પ્રાણી સંગ્રહાલયના નિર્દેશક સંજીત કુમારે જણાવ્યું કે, નવી દિલ્હીના પ્રાણી સંગ્રહાલયના જળ પક્ષી વિહારમાં બે સારસના મોત બાદ સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા.

જયારે રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા ભોપાલે 28 ઓગસ્ટના રોજ રિપોર્ટ આપ્યો હતો. જેમાં બંને સેમ્પલમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્જા વાઈરસની પુષ્ટિ થઈ છે. જેની બાદ ઝૂના કર્મચારી તેના ચેપથી પશુ પક્ષીઓને બચાવવા માટે કાર્યવાહી શરુ કરી હતી.
આ પણ વાંચો…ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં બિલાડીમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ, તંત્રમાં દોડધામ