દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ એક્સાઇઝ વિભાગે 20,000 દારૂની બોટલ કરી જપ્ત
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના એક્સાઇઝ વિભાગે વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી છેલ્લા પખવાડિયામાં ૫૦ લાખ રૂપિયાની કિંમતની લગભગ ૨૦,૦૦૦ ગેરકાયદે દારૂની બોટલો જપ્ત કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયા છે. જેમાં ૧૫,૩૭૬ લીટર ગેરકાયદેસર દારૂ(ભારતીય બનાવટ અને વિદેશી દારૂ અથવા આઇએમએફએલ અને દેશી દારૂ બંને) અને ૩૨ વાહનોનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂના સંદર્ભમાં ૫૨ કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા પછી એક્સાઇઝ વિભાગ દ્વારા જપ્ત કરાયેલ દારૂ કુલ જપ્તીના લગભગ ૨૫ ટકા છે. જેમાં દિલ્હી પોલીસ દ્વારા જપ્ત કરાયેલ દારૂનો પણ સમાવેશ થાય છે. એક્સાઇઝ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક્સાઇઝ ઇન્ટેલિજન્સ બ્યુરો(ઇઆઇબી)ની ટીમો પડોશી રાજ્ય હરિયાણામાંથી દાણચોરી કરીને લાવવામાં આવતા દારૂ વિશે માહિતી એકત્રિત કરવા અને ગુનેગારોને પકડવા માટે સખત મહેનત કરી રહી છે.
Also read: જાણો .. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPએ ચૂંટણી ચિન્હ ઝાડુનો રંગ કેમ બદલ્યો
નોંધનીય છે કે ૭૦ સભ્યોવાળી દિલ્હી વિધાનસભા માટે મતદાન ૫ ફેબ્રુઆરીએ થવાનું છે. જ્યારે મતગણતરી ૮ ફેબ્રુઆરીએ થવાની છે. આ બંને દિવસોને આબકારી વિભાગે શહેરમાં ‘ડ્રાય ડે’ તરીકે જાહેર કર્યા છે. ૭ જાન્યુઆરીએ ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ હતી.
એક્સાઇઝ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા બાદથી અમારી ટીમો દરરોજ સરેરાશ ત્રણ એફઆઇઆર નોંધી રહી છે અને નિયમિત દરોડા પાડીને દરરોજ ૧૦૦૦ લીટર દારૂ જપ્ત કરી રહી છે.