નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓ (Delhi Assembly Election) કરી રહ્યા છે, ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. એવામાં આજે મંગળવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. આજે બપોરે 2 વાગ્યે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
આ તારીખે થઇ શકે છે મતદાન:
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. અહેવાલો મુજબ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી પંચે 23 ફેબ્રુઆરી પહેલા દિલ્હીમાં ચૂંટણી પૂર્ણ કરવાની છે.
રાજકીય પક્ષોની તૈયારી:
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 48 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે ભાજપે માત્ર 29 ઉમેદવારો જાહેર કર્યા છે.
Also read: જાણો .. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPએ ચૂંટણી ચિન્હ ઝાડુનો રંગ કેમ બદલ્યો
AAPનો દબદબો:
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી ચોથી વખત સત્તા જાળવવા દમ લગાવી રહી છે, તો ભજપ સત્તા પરીવર્ત થવાના દાવા કરી રહી છે. નોંધનીય છે કે 2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 67 બેઠકો મેળવીને જંગી જીત નોંધાવી હતી. ત્યાર બાદ 2020 વિધાનસભા ચૂંટણીમાં, AAPએ 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપને 2015માં માત્ર 3 અને 2020માં માત્ર 8 બેઠક જ મળી હતી.
દિલ્હીમાં આટલા મતદારો:
દિલ્હી વિધાનસભા ચૂંટણીની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાય છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ સોમવારે મતદારોની અંતિમ યાદી જાહેર કરી, જેમાં કુલ 83 લાખ 49 હજાર 645 પુરૂષ અને 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. થર્ડ જેન્ડરના મતદારોની સંખ્યા 1261 છે.