Arvind Kejriwalના નિવાસે આપ નેતાઓની બેઠક મળશે, નક્કી થશે નવા મુખ્યમંત્રીનું નામ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) રવિવારે મુખ્યમંત્રી પદેથી બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જેના પગલે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈએ અટકળો ચાલી રહી છે. જ્યારે મુખ્યમંત્રીની નામની ચર્ચા માટે આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠક આજે સાંજે મુખ્યમંત્રી કેજરીવાલના સિવિલ લાઇન્સમાં આવાસ પર યોજાશે. આ બેઠકમાં જે નામ ફાઈનલ થશે તેના પર ધારાસભ્ય દળની બેઠકમાં ચર્ચા થશે.
આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન,મનીષ સિસોદિયા, સંજય સિંહ,સંદીપ પાઠક
ગોપાલ રાય,આતિશી, એનડી ગુપ્તા, દુર્ગેશ પાઠક,પંકજ ગુપ્તા, રાઘવ ચઢ્ઢા, ઈમરાન હુસૈન અને રાખી બિરલા સામેલ થશે.
ઈમાનદાર વ્યક્તિને જેલમાં મોકલવામાં આવ્યા
આ દરમ્યાન આપ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “મુખ્યમંત્રીએ ઈમાનદારીના નામે ચૂંટણી લડવાની વાત કરી છે. એક ઈમાનદાર વ્યક્તિને જેલમાં મોકલવામાં આવ્યા. આખી કેન્દ્ર સરકાર તેમને ફસાવવામાં લાગી ગઈ છે. ભાજપ અંગે લોકોમાં ઘણી બધી નારાજગી છે કે જ્યારે ચૂંટણી થશે ત્યારે દિલ્હીના લોકો ઈચ્છે છે કે અરવિંદ કેજરીવાલ ફરી મુખ્યમંત્રી બને.
અરવિંદ કેજરીવાલ એક નીડર નેતા : આદિત્ય ઠાકરે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત પર શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ ભાજપના કાર્યાલયથી ચલાવવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ એક નીડર નેતા છે. ઘણા નેતાઓ જેમ કે અનિલ દેશમુખ અને સંજય રાઉત ડર્યા વિના દેશ માટે લડી રહ્યા છે.
કેજરીવાલ પર ભાજપના પ્રહાર
અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત પર દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે જનતાએ ત્રણ મહિના પહેલા જ પોતાનો નિર્ણય લઈ લીધો છે. દિલ્હીની જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. ત્યારે હું કહું છું કે જો તેમની પાસે નૈતિકતાનો અંશ પણ હોય તો સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દેવું જોઈએ.