દિલ્હી એરપોર્ટ પર પાયલોટે મુસાફરને માર મારી લોહીલુહાણ કર્યો, પાયલોટ સસ્પેન્ડ

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એરપોર્ટના ટર્મિનલ 1 પર એક મુસાફરે એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલોટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુસાફર અંકિત દીવાનનો આક્ષેપ મુક્યો છે કે પાયલોટ કેપ્ટન વીરેન્દ્રએ તેમની સાથે ખરાબ વર્તન જ નહીં પરંતુ શારીરિક હુમલો પણ કર્યો હતો. જેના કારણે તે લોહીલુહાણ થયા છે. તેમજ આ ઘટના બાદ તેમની સાત વર્ષની પુત્રી હજુ પણ આઘાતમાં છે.આ ઘટના બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે અને આરોપી પાયલોટને ફરજ પરથી તાત્કાલિક દુર કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા વાઈરલ
સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા વાઈરલ થયા છે. મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “મારા પરિવારને સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરક્ષા ચેક લાઇન પર જવા માટે કહેવામાં આવ્યું કારણ કે અમારી સાથે સ્ટ્રોલરમાં 4 મહિનાનું બાળક હતું. સ્ટાફ મારી સામે લાઇન તોડી રહ્યો હતો. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો, ત્યારે કેપ્ટન વીરેન્દ્ર ગુસ્સે થયા અને મને પૂછ્યું, શું તમે અભણ છો અને શું તમે આ સાઇન વાંચી શકતા નથી. આ એન્ટ્રી માત્ર સ્ટાફ માટે છે.
પાયલોટના શર્ટ પર મારું લોહી પડ્યું
જોકે, તેની બાદ વિવાદ વધ્યો હતો અને પાયલોટે મારી પણ હુમલો કર્યો હતો. જેના લીધે લોહી નીકળ્યું હતું. પાયલોટના શર્ટ પર મારું લોહી પડ્યું હતું. મારું વેકેશન બરબાદ થયું છે. તેમજ આ ઘટનાથી મારી સાત વર્ષની પુત્રી આઘાતમાં છે.
પાયલોટના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી
જયારે એર ઇન્ડિયા એક્સપ્રેસે પાયલોટના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી અને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. એરલાઇને જણાવ્યું કે આરોપી કર્મચારીને તાત્કાલિક અસરથી તમામ સત્તાવાર જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને દિલ્હી એરપોર્ટ પર અમારા એક કર્મચારીએ કરેલી ઘટના વિશે જાણવા મળ્યું છે. આ કર્મચારી બીજી એરલાઇનની ફ્લાઇટમાં મુસાફર તરીકે મુસાફરી કરી રહ્યો હતો. તેમજ મુસાફર સાથે ઝઘડો થયો હતો. અમે આ પ્રકારના વર્તનની સખત નિંદા કરીએ છીએ.



