પાકિસ્તાનની ધૂળથી રાજધાનીની હવા ઝેરીલી બની, દિલ્હીમાં ગ્રેપ-1 લાગુ…

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી-NCRની હવા એકવાર ફરી ઝેરીલી બની ગઈ છે. જેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 278 નોંધાયો હતો અને આથી રાજધાનીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)ના પ્રથમ તબક્કાના નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. ગ્રેપ-1ના પ્રતિબંધ હેઠળ હોટલો અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજધાની દિલ્હી-NCRની હવા એકવાર ફરી ઝેરીલી બની ગઈ છે. આને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)ના પ્રથમ તબક્કાના નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે વાયુ ગુણવત્તા સૂચકાંક 278 નોંધાયો હતો, જેના કારણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગ (સીએક્યુએમ)એ શુક્રવારે તાત્કાલિક અસરથી દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)ના તબક્કા-1ને લાગુ કરી દીધો છે.
પાકિસ્તાનથી આવતી ધૂળથી દિલ્હીની હવા ખરાબ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરી પાકિસ્તાનથી આવતી ધૂળ પંજાબ અને હરિયાણા થઈને દિલ્હી-NCR તરફ વધી રહી છે. આવી સ્થિતિમાં આ ધૂળના કારણે દિલ્હીની હવા ખરાબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગ્રેપ-1 હેઠળ પ્રતિબંધો ત્યારે લાગુ થાય છે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર પહોંચી જાય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર, શુક્રવારે સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 297 નોંધાયો હતો જે ખરાબ શ્રેણીમાં છે.
ગ્રેપ-1 હેઠળ કઈ વસ્તુઓ પર પ્રતિબંધ
ગ્રેપ-1ના પ્રતિબંધ હેઠળ હોટલો અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. જૂના પેટ્રોલ (BS-III) અને ડીઝલ (BS-IV) વાહનો ચલાવવા પર પણ પ્રતિબંધ રહેશે.
આપણ વાંચો : Delhi-NCRમાં ફટાકડા નહીં જ ફૂટે! સુપ્રીમ કોર્ટે ગ્રીન ફાયરક્રેકર્સ અંગે પણ આપ્યો નિર્ણય