દિલ્હીની હવા બની ઝેરી, અનેક વિસ્તારમાં એક્યૂઆઈ 400ને પાર, ગ્રેપ-3 લાગુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં હવા ઝેરીલી બની છે. આજે અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચ્યો છે. દિલ્હી સરકારે ધો.5 સુધીના તમામ વર્ગોને હાઈબ્રિડ મોડમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર ગ્રેપ-3 લાગુ થયા બાદ બુધવારે સવારે સાત કલાકે દિલ્હીનો એક્યૂઆઈ 413 નોંધાયો હતો.
દિલ્હીમાં ક્યા વિસ્તારોમાં એક્યૂઆઈ 400ને પાર નોંધાયો
આનંદ વિહાર – 438
અલીપુર – 431
બવાના – 451
બુરાડી – 439
ચાંદની ચોક – 449
દ્વારકા – 423
આઈટીઓ – 433
જહાંગીરપુરી – 446
ઈન્ડિયા ગેટ – 408
નરેલા – 437
લોધી રોડ – 401
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા
દિલ્હીને અડીને આવેલા નોઇડાના સેક્ટર-62માં એક્યૂઆઈ 371, ગાઝિયાબાદના વસુંધરામાં 337, ઇન્દિરાપુરમમાં 304 અને ગુરુગ્રામના સેક્ટર-51માં 368 નોંધાયો છે. આ પહેલા, ગઈકાલે મંગળવારે દિલ્હીનો 24 કલાકનો સરેરાશ એક્યૂઆઈ 428 રહ્યો હતો, જે દેશમાં સૌથી વધુ છે. જ્યારે, 425 એક્યૂઆઈ સાથે નોઇડા બીજા નંબર પર રહ્યું હતું.
ગ્રેપ-3 હેઠળ અનેક પ્રતિબંધો લાગુ
દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ-3 (GRAP-3 – ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ત્રીજો તબક્કો) લાગુ થવાથી ઘણા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. તેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે
BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલના ચાર-પૈડાવાળા વાહનોના સંચાલન પર પ્રતિબંધ રહેશે. જોકે, દિવ્યાંગ લોકો અંગત વપરાશ માટે આ બંને શ્રેણીની ગાડીઓ ચલાવી શકશે.
બાંધકામ અને તોડફોડ પર પ્રતિબંધ રહેશે.
પાંચમા ધોરણ સુધીના બાળકોને સ્કૂલને બદલે ઓનલાઈન (ઘરેથી) અભ્યાસ કરાવી શકાશે.
તેની સાથે જ, ઈંટના ભઠ્ઠા, હોટ મિક્સ પ્લાન્ટ અને સ્ટોન ક્રશરને પણ બંધ કરવામાં આવશે.



