દિલ્હીમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ટાળવા AIની મદદ લેવાશે…

નવી દિલ્હી : દિલ્હીમાં વધતી જતી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે, દિલ્હી પોલીસે AI આધારિત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મંજૂરી માટે સુપરત કરવામાં આવ્યો છે અને મંજૂરી મળ્યા બાદ 24 મહિનામાં ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે.
ટ્રાફિક ભંગની ઓળખ અને ચલણ ઓટોમેટિક જનરેટ કરવામાં મદદ
આ અંગે દિલ્હી સરકારે પોલ્યુશન એક્શન પ્લાન 2026 ના ભાગ રૂપે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને સુપરત કરેલા અહેવાલમાં આ દરખાસ્ત મૂકી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આનો ઉદ્દેશ્ય ટ્રાફિક ઘટાડવાનો અને મુસાફરીનો સમય ઘટાડવાનો અને ઉલ્લંઘનો સામે અમલીકરણને મજબૂત બનાવવાનો છે. પ્રસ્તાવિત ITMS અદ્યતન વિશ્લેષણ, બુદ્ધિશાળી ટ્રાફિક સિગ્નલો અને રીઅલ-ટાઇમ નિર્ણય સપોર્ટ સિસ્ટમ પર આધારિત હશે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન ટેકનોલોજી ચલણ સિસ્ટમમાં એકીકૃત કરવામાં આવશે. જેનાથી ટ્રાફિક ભંગની ઓળખ અને ચલણ ઓટોમેટિક જનરેટ કરવામાં મદદ થશે.
આ યોજનાને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે
આ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 12 મહિનામાં પાંચ ટ્રાફિક કોરિડોર પર 250 એડપ્ટીવ સિગ્નલ જંકશન અને 271 અમલીકરણ સ્થાન પર સ્થાપિત કરવામાં આવશે. બીજા તબક્કામાં, 18 મહિનામાં સાત વધુ કોરિડોર, 222 એડપ્ટીવ સિગ્નલ જંકશન અને 236 અમલીકરણ સ્થાન ઉમેરવામાં આવશે. અંતિમ તબક્કામાં 30 વધારાના કોરિડોર, 620 એડપ્ટીવ સિગ્નલ જંકશન અને 522 અમલીકરણ સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.



