અકસ્માતમાં 6 વિદ્યાર્થીઓના મોત છતાં પરિવારજનોએ ફરિયાદ ન નોધાવી! પોલીસ પણ મુંઝવણમાં
દેહરાદુન: ઉત્તરાખંડના દેહરાદૂનમાં મંગળવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં છ વિદ્યાર્થીઓના મોત થયા (Dehradun car accident) હતાં, અને જયારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાને બે દિવસથી વધુનો સમય વિતી ચુક્યો છે, છતાં હજુ સુધી પોલીસ કેસ નોંધવામાં આવ્યો નથી. મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોએ હજુ સુધી પોલીસને ફરિયાદ આપી નથી, પોલીસ હજુ ફરિયાદની રાહ જોઈ રહી છે.
આ અકસ્માત અંગે કાયદાકીય પગલાં લેવા અંગે પોલીસ કાયદા નિષ્ણાતોની સલાહ લઈ રહી છે, કારણ કે પ્રારંભિક તપાસમાં જણવા મળ્યું કે અકસ્માત પાછળ ટ્રક ડ્રાઈવરની ભૂલ ન હતી. આ અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓના મોત થયા હતાં.
પોલીસે શું કહ્યું?
કેન્ટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અમે કેસ નોંધવા માટે પરિવારજનોની ફરિયાદની રાહ જોઈ રહ્યા છે. અમને પીડિતોના પરિવારના સભ્યો તરફથી એવી કોઈ ફરિયાદ મળી નથી, કે જે કેસ નોંધવા આધાર પૂરો પાડી શકે.
પોલીસે જણાવ્યું કે કાર ચલાવી રહેલા કારના માલિક યુવાને ઘટનામાં જીવ ગુમાવ્યો છે, તેથી તેને હાલના કાયદા હેઠળ જવાબદાર ઠેરવી શકાય નહીં. પોલીસ આ કેસમાં પગલાં લેવા માટે કાયદાકીય નિષ્ણાતો સાથે પરામર્શ કરી રહી છે.
Also Read – તેલંગણામાં પાટા પરથી ખડી પડી માલગાડી, રેલ સેવાઓ ખોરવાઈ
એક યુવક ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ છે, તેની સ્થિતિ હાલ સ્થિર છે. માથામાં ગંભીર ઈજાને કારણે, તે હાલ ઘટના વિશે નિવેદન આપી શકે એમ નથી.
પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓએ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી, જેમાં કારને રાજપુર રોડ, સહારનપુર ચોક, બલ્લીવાલા અને બલ્લુપુરમાંથી સામાન્ય ગતિએ પસાર થતી જોવા મળે છે. જોકે, ઓએનજીસી ઈન્ટરસેક્શન નજીક કારે અચાનક ઝડપ પકડી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.