
વડોદરા : ગુજરાતમાં રવિવારે વડોદરામાં ગતિ શક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યો હતો. તેમણે ગુજરાતની અનેક સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. વડોદરાને જ્ઞાન, સંસ્કૃતિ અને ટેકનોલોજીના અભ્યાસ માટે શ્રેષ્ઠ સ્થાન ગણાવ્યું હતું. તેમજ પીએમ મોદી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતે દેશને નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ આપ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના સુત્રમાં બાંધ્યા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ગુજરાત એક એવી ભૂમિ છે જેણે દેશને વિચાર,વિચારધારા અને નેતુત્વ આપ્યું છે. આ એ ભૂમિ છે જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સામાજિક જાગૃતિની પહેલ કરી હતી. આ ભૂમિ પરથી જ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના સુત્રમાં બાંધ્યા. ગુજરાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવું દુરદર્શી નેતુત્વ આપ્યું છે. જેણે દેશની રાજનીતિમાં વિકાસ અને રાષ્ટ્રહિતના નવા આયામ સ્થાપિત કરવામાં સફળતા મેળવી.
આ પણ વાંચો: રાજનાથ સિંહે SCO સંયુક્ત સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો, ચીન અને પાકિસ્તાનને સંભાળવી ખરીખોટી
એપ્લાઈડ નોલેજ પર વિશેષ ભાર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ગતિ શક્તિ યુનિવર્સિટી ફક્ત એક શૈક્ષણિક સંસ્થા નથી. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય આકાંક્ષાને નક્કર સ્વરૂપ આપી રહી છે. આ યુનિવર્સિટી, તેના નામની જેમ, ગતિ અને શક્તિ બંનેનું ઉદાહરણ છે. આ સંસ્થાની એક વિશેષતા એ છે કે એપ્લાઈડ નોલેજ પર વિશેષ ભાર મૂકે છે.
ઉલ્લેખનીય છે કે, ગતિ શક્તિ યુનિવર્સિટીને પહેલા રાષ્ટ્રીય રેલવે અને પરિવહન સંસ્થાના નામની ઓળખવામાં આવતી હતી. જયારે ગતિ શક્તિ યુનિવર્સિટીને વર્ષ 2022 માં સંસદના એક વિશેષ અધિનિયમ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી છે.