‘ઊંડું કાવતરું હતું, સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હતું…’ મુખ્તાર અંસારીના પુત્ર ઓમરે લગાવ્યા ગંભીર આરોપ
કુખ્યાત ડોન મુખ્તાર અન્સારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું છે. તેની મોતથી પરિવાર સદમામાં છે. તેના પુત્રએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેના પિતાને slow poison આપવામાં આવી રહ્યું હતું.
માફિયા મુખ્તાર અન્સારીના મૃત્યુ પર તેના પુત્ર ઓમર અન્સારીએ કહ્યું કે અમે પણ માણસ છીએ. દરેકને પિતાની ગેરહાજરીમાં જે થાય છે તેવી જ મારી હાલત છે. ઉમરે કહ્યું કે પિતાના દેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મને જે લાગે છે તે કહેવાનો શું ફાયદો? પિતાને વોર્ડમાં દાખલ કરવાને બદલે 3 દિવસ પહેલા ICUમાં રાખવામાં આવ્યા હતા. આઈસીયુમાંથી સીધા જેલ લઈ ગયા હતા. પપ્પાએ મને કહ્યું હતું કે તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.
મુખ્તાર અન્સારીના ભાઈ સિબગતુલ્લા અન્સારીએ કહ્યું હતું કે એક ષડયંત્ર રચીને તેના ભાઇને મારવામાં આવ્યો છે. એક ઘૃણાસ્પદ ઘટના બની છે. અમને ખુદામાં વિશ્વાસ છે કે તે બદલો લેશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ભલે ગમે તે હોય, લાશને જોઈને એવું ન કહી શકાય કે તેઓ બીમાર હતા. એવું લાગે છે કે તેઓ સૂઈ રહ્યા છે. ઉમર બાંદામાં છે, બાકી બધા ઘરે છે. મારી દરેકને અપીલ છે કે શ્રદ્ધા રાખો, ખુદાના ઘરે દેર છે, પણ અંધેર નથી. જેલમાં કોઈ સલામત નથી. કોર્ટે સંજ્ઞાન લઈને આ ઘટનાની તપાસ કરવી જોઈએ. બસ time pass કરવામાં આવી રહ્યો છે.
યુપીની બાંદા જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. ગુરુવારે સાંજે લગભગ 8.30 વાગ્યે જેલમાં મુખ્તારની તબિયત બગડી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલ, એસપી અંકુર અગ્રવાલ અનેક પોલીસ સ્ટેશનોના પોલીસ દળો સાથે જેલ પહોંચ્યા હતા. અધિકારીઓ લગભગ 40 મિનિટ સુધી જેલની અંદર રહ્યા હતા.
આ પછી મુખ્તારને એમ્બ્યુલન્સ દ્વારા બેભાન અવસ્થામાં રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજમાં હાજર 9 ડોક્ટરોની ટીમે તુરંત સારવાર શરૂ કરી હતી, પરંતુ આ દરમિયાન મુખ્તારનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. રાતે લગભગ 10.30 વાગ્યે વહીવટીતંત્રે મુખ્તારના મૃત્યુની માહિતી જાહેર કરી હતી.
મુખ્તાર અન્સારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મઉ અને ગાઝીપુરમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મેડિકલ કોલેજ અને બાંદા જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ત્રણ પેનલ મુખ્તાર અન્સારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી રહી છે, જે બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.