મહારાષ્ટ્ર-ગુજરાત જેવા બિઝનેસ ફ્રેન્ડલી રાજ્યોમાં ટેક-સ્ટાર્ટઅપ ફંડિગનો ગ્રાફ થઈ રહ્યો છે ડાઉન
દેશમાં યુવાનો ફરી વેપાર-ધંધા તરફ વળવા માગે છે. કેન્દ્ર સરકાર પણ સ્ટાર્ટ અપ્સ ફંડિંગ કરે છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત જે રાજ્યો બિઝનેસ માટે સારા માનવામાં આવે છે ત્યાં પણ ટેકનોલોજી રિલેટેડ સ્ટાર્ટ અપ્સને ફંડ મળવાનું ઘટી ગયું છે અને આ ઘટાડો નાનો-સૂનો નહીં પણ 60થી 70 ટકાનો છે, તેમ એક અહેવાલ જણાવે છે.
અહેવાલ અનુસાર ટોચના બિઝનેસ-ફ્રેન્ડલી ભારતીય રાજ્યોમાં ટેક સ્ટાર્ટઅપ્સમાં ફંડિંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, ખાનગી માર્કેટ રિસર્ચ માટેના ડેટા ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મે આ મહિને રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, દિલ્હી એનસીઆર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને કેરળના ટેક સ્ટાર્ટઅપ ડેટાનું વિશ્લેષણ કરતા બેંગલુરુ સ્થિત સંશોધન કંપની Tracxn Technologies Ltd અનુસાર કે કેરળ સિવાય અન્ય રાજ્યોમાં ભંડોળમાં 61% થી 85% ની વચ્ચે ઘટાડો નોંધાયો છે.
ભારત સરકાર નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા ઘણા સારા લાભ આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને ટિયર 2 અને 3 શહેરોમાં પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે. ટેક સ્ટાર્ટઅપ એટલે એવી કંપનીઓ જેનો હેતુ ટેકનોલોજી ઉત્પાદનો અથવા સેવાઓને બજારમાં લાવવાનો છે. આ કંપનીઓ નવી ટેક્નોલોજી ઉત્પાદનો અથવા સેવાઓ અથવા વર્તમાન તકનીકી ઉત્પાદનો અથવા સેવાઓને નવી રીતે લોકો માટે બજારમાં લાવે છે.
મોટાભાગના શિક્ષિત અને પ્રગતિશીલ રાજ્યોમાં અગાઉ આવા સ્ટાર્ટ અપ્સ યુવાનોને આકર્ષી રહ્યા હતા અને ઘણા યુવાનોએ આમાં ઝંપલાવી સારી આવક પણ ઊભી કર્યાના ઉદાહરણો છે. જોકે હવે તેના ફંડિગમાં ઘટાડાનો અહેવાલ છે.
રાજ્યો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર ટેક સ્ટાર્ટઅપ્સમાં કુલ ભંડોળ 2023માં 62.5% ઘટીને $2.1 બિલિયન થયું હતું, જે 2022માં $5.6 બિલિયન હતું. 2023માં ટેક સેક્ટરે $108 મિલિયનનું સીડ-સ્ટેજ રોકાણ મેળવ્યું હતું, જે 2022માં ઊભા કરાયેલા $404 મિલિયનની સરખામણીમાં 73% ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પ્રારંભિક તબક્કાનું ભંડોળ 2023માં 70% ઘટીને $415 મિલિયન થયું હતું. 2022માં $1.4 બિલિયન ઊભા થયા. 2023માં લેટ-સ્ટેજ ફન્ડિંગ $1.6 બિલિયન હતું, જે 2022માં ઊભા કરાયેલા $3.8 બિલિયનની સરખામણીમાં 59% ઘટી ગયું હતું.
ઔદ્યોગિક રોકાણ માટે મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની વાત કરીએ તો અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાત ટેક સ્ટાર્ટઅપ્સમાં કુલ ભંડોળ 2022માં $412 મિલિયનથી ઘટીને 2023માં $139 મિલિયન થયું હતું. ગુજરાતને સ્ટાર્ટઅપ્સ માટે સારું વાતાવરણ આપવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોમાં ગણાવતા આ અહેવાલમાં વૈશ્વિક સ્તરે બગડેલા ભૌગોલિક રાજકીય સંબંધોને લીધે ઊભા થયેલા global macroeconomic climateને આ માટે જવાબદાર માનવામાં આવ્યું છે.